અમદાવાદમાં રમાનારી IND-PAK મેચને લઇને મળતી ધમકીભર્યા ઇ-મેઇલ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઇ ગઇ છે. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ગુજરાત પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ આરંભી દીધી છે. CMની સમીક્ષા બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલુ ન થાય તે માટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક SRPની ટુકડી તેમજ અન્ય પેરામિલેટરી ફોર્સ પણ ગોઠવી દેવામાં આવશે. એક અંદાજ પ્રમાણે શહેરમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ પોલીસ કર્મચારીઓ ભારત-પાકિસ્તાનની મેચ દરમિયાન ફરજ પર હાજર રહેશે. કોઇ પણ ક્રિકેટ મેચ દરમિયાન આટલી બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે.
મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા
સમગ્ર વિશ્વમાં ક્રિકેટ રસિકો જે મેચની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તે ભારત-પાકિસ્તાનની મેચને લઇને ધમકીભર્યો ઇ-મેઇલ અને ઓડિયો ક્લિપ આવ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મહત્વના ઈનપુટ મળ્યા છે. ઇનપુટ મળતાની સાથે જ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે આખો પ્લાન રેડી કરી દેવામાં આવ્યો છે. જે માટે BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેશે. આજે સરકાર દ્વારા સિનિયર IPS અધિકારીઓની પાસે વિગતો મેળવવામાં આવી હતી અને તેમાં નક્કી કરવામાં આવેલી માહિતી પ્રમાણે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પણ મેચના દિવસે એટલી જ સુરક્ષા રાખવામાં આવશે.
આ અંગે સંયુક્ત પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે શહેરમાં મેચના દિવસે વધુમાં વધુ પોલીસ ફોર્સ ગોઠવવામાં આવશે તેના માટેનો પ્લાન તૈયાર છે. પોલીસ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં SRP સહિત અલગ અલગ ફોર્સ ગોઠવવામાં આવશે અને જે માટે આખું પ્લાનિંગ તૈયાર થઈ ગયું છે. કોઈપણ બાબતને સરળતાથી ન લેવા અને વધુમાં વધુ ચોકસાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ અને વધારાની ફાળવવામાં આવેલી પોલીસ અને પેરામિલિટરી ફોર્સને તેમની જવાબદારી સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી 14મી ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાનની મેચના સદર્ભમાં રાજ્યના પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી સુરક્ષા-સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં CMએ ક્રિકેટ સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા અંગે તેમજ મેચ જોવા આવનારા દર્શકોની સલામતી તથા ટ્રાફિક નિયમન અંગે પણ વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.