ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા તેમજ ખેત વ્યવસાય અને કમીશન એજન્ટનું કામ કરતા એક આહીર વૃદ્ધને લેવાની થતી કરોડો રૂપિયાની રકમ ન ચૂકવીને તેમને કફોડી હાલતમાં મૂકી દેતા આખરે તેમણે કંટાળીને મોતનો માર્ગ અપનાવી જિંદગી ટૂંકાવી લીધી હતી. આ પ્રકરણમાં મૃતકની પાંચ પુત્રીઓ સહિતના પરિવારજનોના કરુંણ કલ્પાંત ભારે અરેરાટી પ્રસરાવી છે. આહિર સેના ગુજરાત દ્વારા આ પ્રકરણમાં સંડોવાયેલા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે.
ખંભાળિયા નજીકના ભાડથર ગામે રહેતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા દ્વારા ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેત પેદાશો લઈ અને માંગરોળ, જુનાગઢ ખાતે વેપારીઓને મોકલતા તેમના દ્વારા ચૂકવવાની થતી રકમ ઉપરાંત અન્ય રીતે આશરે રૂપિયા અઢી કરોડ જેટલી રકમ ન આપીને તેમના પર દેણું થઈ જતા આખરે આ અંગેના પૈસા મેળવવા માટેના તેમના તમામ પ્રયાસો નિષ્ફળ જતા આખરે ગત સપ્તાહમા ભાયાભાઈએ આ સમગ્ર પ્રકરણ અંગેનો વીડિયો બનાવીને ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધો હતો.
આપઘાત પહેલાં વૃદ્ધે તેના અંતિમ વીડિયોમાં કહ્યું કે, રમેશ પિઠીયા કંઈક વિચાર કરવો હતો મારી માથે. આવાના આવો ભાગવાન તારા લેખા લેશે. મેં કોઈનો એક રૂપિયો ખાધો નથી. રમેશ પિઠીયા મારા 7 લાખના ચણા ખાઈ ગયો, મારી લોન ખાઈ ગયો, મારી 710 ગુણી માંડવી, મારું જીરું ખાઈ ગયો. કંઈક વિચાર કરવો હતો મારી માથે. સાવ ખોટાં જ બહાના આપ્યા રાખ્યા, જીવવા જેવું ન રાખ્યું. બધાએ મળીને મને માર્યો, સંજય બાવળિયાએ બહુ રસ લીધો. હેંમત જોગલે, બાબુ પિઠીયાનો જમાઈ રોહીત, બાબુ પિઠીયાના 2 દિકરા મુરું અને અજય, રમેશ પિઠીયાનો જમાઈ માલદે, સંજય વીરું ઘરે આવીને કહી ગયો અમે બધા પૈસા ભરી દઈશું. 7-8 જણાની ટોળકી ભેગા મળીને ચારેકોરથી હેરાન કર્યો. સરકાર આમની સામે પગલા લેજો. મને જીવવા જેવો ન રહેવા દિધો, હું હવે જીવી શકીશ નહીં.
વધુમાં વીડિયોમાં વૃદ્ધે કહ્યું કે, રમેશ પિઠીયા તારા કારણે મને જીવવા જેવો રહેવા દિધો નથી. મને હાવ મારી નાખ્યો, કોઈનો રહેવા ના દીધો, ન સગાનો, ન વ્હાલાનો, ન ગામનો, ક્યાંય જવા જેવો ના રાખ્યો. સરકાર આની સામે પગલાં લેજો અને દયા અને નીતિની જય બોલાવજો. ક્યાંયનો રહેવા ના દિધો, મારી દીકરીઓ રડે, મારો દીકરો રડે. હવે નાછુટકે મારે જીવ કાઠવો પડશે. બધાને પોરહાવી પોરહાવીને માંડવી લીધા રાખી.
વીડિયો જોઈ પાંચેય પુત્રીઓ ચૌધાર આંસુએ રડતા રડતા કહ્યું- આંઠ મહિના સુધી મારા પપ્પાએ આમાંથી નીકળવાની ખુબ મહેનત કરી પણ કંઈ ના થયું. અમને કોઈએ સ્પોર્ટ ના કર્યો, મારા પપ્પાએ છેલ્લે સુધી કિધું ન્યાય અપાવજો. હવે જો ન્યાય નહિ મળે તો અમે બધી બહેનો ટીકળા ખાઈને એ જ જગ્યાએ આત્મવિલોપન કરીશું. મારા પપ્પા જોડેથી છેતરી છેતરીને માંડવી લેવામાં આવી. રમેશે ઠોંગ કર્યા રાખ્યો. જાન્યુઆરીમાં મકાન બનાવવા મારા પપ્પાએ રૂપિયા માંગ્યા તો ધક્કા ખવરાવ્યા. અમો પોલીસ સ્ટેશનમાં, SP સાહેબને અરજી આપી પરંતુ કંઈ ના થયું. અમારી બહારની બધી જમીન વેચી નાખી. ભરાણું એટલું મારા પપ્પાએ ભર્યું. ઘરની જમીનમાં પણ મારા પપ્પાને છેતરીને લોન લીધી. અમે બધાને બાપ વીનાના કરી નાખ્યા. મારા પપ્પાએ જ્યારે સુસાઈડ કર્યુ તે પહેલાં તેમને આશા હતી કે રમેશભાઈ કંઈક આપશે. મને રોજ ફોન કરી કહેતા કે દીકરી કંઈ થયું? કંઈ થયું? તો એ જીવી જાત, પરંતુ કંઈ જ થયું નહીં. તેમને નહોતું મરવું, અમે પાંચેય બહેન-ભાઈ બેઠાં હતા. SP સાહેબને અમે અરજી કરી પરંતુ કંઈ ના થયું. હવે અમે હર્ષ સંઘવી જોડે જઈશું, અમને ન્યાય અપાવો. નહિંતર અમે બધાય સુસાઈડ કરી લઈશું.
આશરે રૂપિયા અઢી કરોડ જેટલી રકમની ઠગાઈ થવા સબબ મૃતકના પુત્રી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોતાના પિતાના અકાળે આપઘાત કરવા ઉપરાંત તેમને આપઘાત કરવા માટે મજબૂર કરતા શખ્સો સામે આક્ષેપો કરતો પુત્રીઓનો હૃદયદ્રાવક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ત્યારે આ અંગે જિલ્લા કિસાન કોંગ્રેસના ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા દ્વારા મુખ્યમંત્રી, ગૃહમંત્રી વગેરેને પણ ટ્વિટ કરી અને આપઘાત કરનારા ભાયાભાઈ જગાભાઈ ચાવડાના પરિવારજનોને તેમની લેવાની થતી રૂ.અઢી કરોડ જેટલી રકમ ઠગાઈ કરનારાઓની મિલકત જપ્ત કરીને મળે તે માટેની માગ કરી છે.
આ ઉપરાંત આ પ્રકરણમાં આજરોજ આહિર સેના ગુજરાત વતી આહિર સમાજ દ્વારા આરોપીઓને કડક સજાની માગ સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેત-વ્યવસાય સાથે સંકળાયેલા એક આહિર આધેડે ગત તારીખ 3ના રોજ ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લેતા આ પ્રકરણમાં મૃતકના પુત્રી દ્વારા માંગરોળ, જુનાગઢ વગેરે ગામે રહેતા કુલ સાત શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખંભાળિયા પંથકમાં ભારે ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ખેડૂતો પાસેથી મગફળી સહિતની ખેતપેદાશો લઈ અને કમિશનથી વેચી આપતા ભાયાભાઈ જગાભાઈ ચાવડા નામના 50 વર્ષના આહિર આધેડ દ્વારા કેટલાક વેપારીઓને અહીંથી ખેત-પેદાશ મોકલી દીધા બાદ તેમને આ રકમ ન મળતા આર્થિક સંકડામણમાં આવી જતા તેમણે ઝેરી ટીકડા ખાઈને આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો.
આ અંગે મૃતક ભાયાભાઈની પુત્રીએ માંગરોળ તાલુકાના બામણવાડા ગામે રહેતા રમેશ ભાયાભાઈ પિઠીયા તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા તેમજ સંજય બારડ અને મુકેશ સામે આશરે રૂપિયા બે કરોડથી વધુ રકમ મેળવી લીધા બાદ આ રકમ મૃતક ભાયાભાઈને આપવામાં ગલ્લા તલ્લા કરવા ઉપરાંત તેમને મારી નાખવાની ધમકી આપી હોવાથી કંટાળીને આર્થિક મંદીમાં ઘેરાઈ ગયેલા ભાયાભાઈ જગાભાઈ ચાવડાએ આપઘાત કરી લીધો હતો.
આત્મહત્યા કરવા પૂર્વે તેમણે વીડિયો બનાવીને વાઇરલ પણ કરતા આ અંગે પોલીસે રમેશ ભાયાભાઈ પિઠીયા, ક્રિષ્ના રમેશભાઈ પિઠીયા, મૂળુભાઈ બાબુભાઈ પિઠીયા, અજય બાબુભાઈ પિઠીયા, રોહિત તથા સંજય બારડ અને મુકેશ નામના સાત વ્યક્તિઓ સામે આઈપીસી કલમ 306, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અહીંના પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા વિવિધ દેશોમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
જે અંગેની તપાસમાં પોલીસે મુખ્ય આરોપી રમેશ પિઠીયા, તેમના પુત્ર ક્રિષ્ના ઉપરાંત તેમના ભાણેજ મુકેશ મેરામણ નંદાણિયાની વિધિવત રીતે અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા આરોપીઓને આજરોજ સાંજે અહીં અદાલતમાં રજૂ કરી, રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ ધરપકડ માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.