કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ક્રાઈમનો રેટ દિવસેને દિવસે વધતો જતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ચોરી, હત્યા, લૂંટ, ઘરફોડ ચોરી જેવી ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેથી લોકો માં ભય પ્રસરી ગયો છે. ત્યારે કડી પોલીસ સ્ટેશનમાં 20 દિવસ અગાઉ મુકાયેલા પીઆઇ દ્વારા કડક હાથે પગલાં લેવામાં આવી રહ્યા છે. રાત્રે 11 વાગ્યા પછી સદંતર ચાની લારીઓ, પાર્લર જેવા ધંધા રોજગાર બંધ કરવા માટે સૂચનાઓ અપાઇ છે. તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા પોલીસની સૂચનાનું અમલ ન કરતા પોલીસ દ્વારા દુકાનનું શટર પાડીને હાથકડી મારી દેતા વેપારીઓમાં ફફડાટ મચી ગયો હતો.
કડી શહેર તેમજ તાલુકાની અંદર અસામાજિક તત્વો બેખોફ બની ગયા હતા. ત્યારે છેલ્લા 20 દિવસથી ખાખીનો ડર કડી શહેરની અંદર જોવા મળી રહ્યો છે. પોલીસ જ્યારે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હોય ત્યારે ધંધા રોજગાર ટપોટપ બંધ કરીને કેટલાક વ્યાપારીઓ ઘર ભેગા થઈ જાય છે. જ્યારે પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે રાત્રે 11:00 વાગ્યા પછી ચાની લારીઓ, નાસ્તાની દુકાનો લારીઓ, પાર્લર જેવા ધંધા રોજગાર બંધ કરી દેવા પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા ખાખીના ડર વગર ધંધા ધમધમાવી રહ્યા હતા. ત્યારે ગત રાત્રીએ કડી પોલીસે ચબુતરા ચોકની બાજુમાં આવેલા પાયગા હાઈસ્કૂલની સામે વિશ્વાસ પાર્લરના માલિક સરફરાજ મુસ્તુભાઈ મંડલીએ પોતાનું પાર્લર ચાલુ રાખ્યું હતું. જે દરમિયાન પોલીસ આવી પહોંચતા પોલીસે લોકની જગ્યાએ હથકડી મારી દેતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
22 દિવસ પૂર્વે PI તરીકે જે. પી સોલંકી દ્વારા કડી પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યા બાદ કડી શહેર તેમજ તાલુકાની અંદર ખાખીનો ખોફ જોવા મળી રહ્યો છે. PI જી.પી સોલંકી દ્વારા શુક્રવારે રાત્રે મસમોટુ કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. જેને કેટલાક લોકો દ્વારા મામલો દબાવવાની પણ કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પીઆઇ દ્વારા મચક ન આપી ગુનો દાખલ કરી દીધો હતો. જ્યારે આ સામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે ખાખીએ ખોફ કડી શહેર તેમજ તાલુકાની અંદર બતાવી દીધો છે. ચબુતરા ચોક વિસ્તારમાં આવેલા પાયગા સ્કૂલની સામે પાર્લર ખુલ્લું જોઈ પોલીસે જાતે જ શટર પાડીને લોકની જગ્યાએ હથકડી લગાવી દેતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો.
કડી ચબૂતરા ચોક વિસ્તારમાં પોલીસ દ્વારા શટરને હથકડી મારી દેતા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી સોલંકીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન પાર્લર માલિકો પોતાની દુકાન ખુલ્લી મુકીને ભાગી ગયા હતા. દુકાન ખુલ્લીને ખુલ્લી જ હતી જ્યાં પોલીસ રાહ જોઈને ઉભી રહેતી પરંતુ મોડે સુધી કોઈ ન આવતા અને ચોરી કે કોઈ બીજો બનાવ ન બને તે માટે શટર બંધ કરીને હથકડી મારી દીધી હતી. સોમવારે પાલનના માલિક સરફરાજ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને રજૂઆત કરતા પોલીસ દ્વારા પાર્લરને લગાવેલી હથકડી ખોલી શટર ખોલી દીધું હતું.