રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે. ત્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે એક કાર્યક્રમમાં જણાવ્યુ કે, પોલીસની રહેમનજર હેઠળ દારૂનું વેચાણ થતું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ભાજપના કાર્યકરો દિવસ રાત મેહનત કરી વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને બીજા લોકો એના પર પથારી ફેરવી નાંખે છે.
‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગંભીપ આક્ષેપો કરતા જણાવ્યુ છે કે, નાંદોદના ચિત્રોલ-મયાસી ગામે મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ ચાલું થયું છે. ડેડીયાપાડાના સોલિયા ગામમાં પોલીસ દર મહિને 35 લાખ રૂપિયાનો હપ્તો લે છે. ભાજપના કાર્યકરો દિવસ રાત મેહનત કરી વ્યસન મુક્તિનો અભિયાન ચલાવે છે અને બીજા લોકો એની પથારી ફેરવી નાંખે છે. આ સાથે તેમણે બુટલેગર દિનેશ પર દારૂ વેચાણના ગંભીર આરોપ પણ લગાવ્યો છે.
આ સાથે તેમણે કાર્યક્રમમાં એમ પણ જણાવ્યુ કે, તિલકવાડામાં બુટલેગરોને કેટલીક રાજકીય પાર્ટીઓએ જોડી દીધા છે. આવા લોકોને ખુલ્લા પાડવા પડશે. આ બધું રોકવું પડશે નહીં તો યુવા પેઢી બરબાદ થઈ જશે. ગમે એટલો મોટો ચમરબંધી હોય એને ખુલ્લો પાડતા હું બિલકુલ ગભરાતો નથી.
પીએમ મોદી સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે. દેશ યુવાનોને સોંપવા માંગે છે તો બીજી બાજુ દારૂ-જુગારના રવાડે ચઢી યુવાધન ખતમ થઈ રહ્યું છે. કેટલાંક નેતાઓ અહીંયા સ્ટાર બેન્ડ બોલાવી લોકોને દારૂ પીવડાવી આખી આખી રાત નચાવે છે. જે જરા પણ યોગ્ય નથી.