આઇ.ટી.આઇ સરસપુરમાંથી મેળવેલું પ્રેક્ટીકલ જ્ઞાન તાલીમાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી થશે : ગાર્ગી જૈન
અમદાવાદ
ઔદ્યોગીક તાલીમ સંસ્થા સરસપુર ખાતે રાજ્યકક્ષાના દ્વિતીય “કૌશલ્ય દિક્ષાંત સમારોહ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ દિક્ષાંત સમારોહ બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશભાઇ કુશવાહ તેમજ રોજગાર અને તાલીમ નિયામક શ્રી ગાર્ગી જૈન( IAS) જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો.
આ અવસરે શ્રી ગાર્ગી જૈને(IAS) કહ્યું કે, આજે ઔદ્યોગીક તાલીમ સંસ્થા સરસપુરમાંથી પદવી મેળવનાર સૌ તાલીમાર્થીઓ આવનારાં સમયમાં પોતાના સ્વપ્નો પૂરા કરશે. એટલું જ નહિ આ તાલીમાર્થીઓને અહીથી મળેલું પ્રેક્ટીકલ જ્ઞાન ભવિષ્યમાં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. શ્રી ગાર્ગી જૈને વધુમાં કહ્યું કે, ઔદ્યોગીક તાલીમ સંસ્થા સરસપુરમાંથી પાસ આઉટ થયેલા સૌ તાલીમાર્થીઓએ પોતાની કારકિર્દી માટે કામ કરવાનું છે અને સમય અને ટેકનોલોજી અનુરૂપ આગળ વધવાનું છે. આ સાથે છોકરીઓ વધુમાં વધુ આ સંસ્થા સાથે જોડાય અને આગળ આવે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરસપુરના ક્લાસ-૧ આચાર્ય સુશ્રી એમ.પી. શાહે કહ્યું કે, આ કૌશલ્ય દિક્ષાંત સમારોહ કુલ ૩૮૯ તાલીમાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. પ્રવેશ સત્ર ઓગસ્ટ ૨૦૨૩ અંતર્ગત આ સંસ્થા ખાતે ૯૧ ટકા બેઠકો પર તાલીમાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જ્યારે વર્ષ ૨૦૨૩નું અખિલ ભારતીય વ્યવસાય કસોટીનું પરિણામ ૯૨ ટકા આવ્યું છે, જેમાં સંસ્થામાં કાર્યરત ફેશન ડિઝાઇનીગ ટેકનોલોજી વ્યવસાયના તાલીમાર્થી અકીલ અહેમદ ચુડીવાલાએ સંબંધિત કોર્સ મા નેશનલ લેવલ પર પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં ૧૨ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ દિક્ષાંત સમારોહમાં ક્લાસ-૨ આચાર્ય કુમારી વર્ષાબેન ત્રિવેદી, ક્લાસ-૨ આચાર્ય શ્રી કિંજલબેન પટેલ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા સરસપુરના સુ.ઈ. તેમજ અમદાવાદ પીડીલાઈટના નેશનલ મેનેજર શ્રી અરુણ ઉપાધ્યાય, સાબરમતી યુજીવીસીએલના પીઓ શ્રી લલિતકુમાર, ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટ પીએમ મકવાણા, ટોરેન્ટ પાવરના આસિસ્ટન્ટ મેનેજર શ્રી નિકિતા મહેતા, નારાયણી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શ્રી ઇસ્માઇલ અંસારી ઉપસ્થિત રહ્યા હતા.