ગાંધીનગરના આદિવાડા ત્રણ રસ્તાથી પ્રેસ સર્કલ તરફ જતાં રોડ ઉપર વેગનઆર કારનો ચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહદારી મહિલાને ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગે સેક્ટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેક્ટર – 28 જીઆઈડીસી ખાતે રહેતી 21 વર્ષીય વિધિ વિશ્વનાથ શુક્લા ઈન્ફોસિટી ખાતે પ્રાઇવેટ નોકરી કરી ગુજરાન ચલાવે છે. ગઈકાલે સાંજે વિધિ સેક્ટર – 24 શાક માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતી. એ વખતે તેણે તેની માતા ગુડુનબેનને ફોન કર્યો હતો. એટલે કોઈ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડીને કહ્યું હતું કે, મોબાઈલ વાળા બહેનને આદિવાડા ત્રણ રસ્તાથી પ્રેસ સર્કલ તરફ જતાં રોડ ઉપર અકસ્માત થયો છે.
આ સાંભળી વિધિ તાબડતોબ અકસ્માત સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયેલું હતું અને તેની માતા રોડના ડીવાઇડરની બાજુમાં ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. જેમના માથામાંથી પુષ્કળ લોહી વહી ગયું હતું. આ દરમ્યાન 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને વિધિની માતાને તપાસી મૃત જાહેર કર્યા હતા.
ત્યારે એકઠા થયેલા લોકો થકી વિધિને જાણવા મળ્યું હતું કે, તેની માતા ઘરેથી શાકભાજી લેવા સેક્ટર – 24 શાકમાર્કેટ જઈ રહ્યા હતા. એ વખતે આદિવાડા રોડ ઉપર એક વેગેનાર ગાડી (નંબર GJ-18-AA-9344) ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ગુડુનબેનને ટક્કર મારી નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં સેક્ટર – 21 પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.