Gj-૧૮માં પ્રતિબંધિત પ્લાસ્ટિકના બેફામ ઉપયોગ અને તહેવારો દરમિયાન અખાદ્ય સામગ્રીના ધૂમ વેચાણ સામે કાર્યવાહી કરવામાં મહાનગરપાલિકાની શાખાઓની નબળી કામગીરીને કારણે હવે મ્યુનિસિપલ કમિશનરને જાતે તપાસમાં ઉતરવું પડ્યું છે. મ્યુનિસિપલ કમિશનરે સરગાસણ ટીપી-૯ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરીને વેપારીઓને નિયમના ભંગ બદલ દંડ ફટકાર્યો હતો.ગાંધીનગરમાં ફૂડ પાર્લરો, રેસ્ટોરાં, લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થોની નિયમિત ચકાસણી થાય તે માટેનું કોઇ તંત્ર સક્રિય નથી. ખાસ કરીને તહેવારોમાં આ પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ વધી જાય છે પણ તેની કોઇ ચકાસણી થતી નહીં હોવાથી નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે. એ જ રીતે વાણિજ્ય વિસ્તારોમાં થતી ગંદકી, પ્લાસ્ટીકના ઉપયોગ સામે પણ જે પ્રકારે કાર્યવાહી થવી જાેઇએ તે થતી નથી. મહાનગરપાલિકાની સંબંધિત શાખાઓ માત્ર છૂટા છવાયા કેટલાક વિસ્તારોમાં જ ચેકીંગ કરીને કાગળ ઉપર કાર્યવાહી દર્શાવી દે છે પરંતુ સમગ્ર શહેરમાં જે પ્રકારે કાર્યવાહી થવી જાેઇએ તે થતી નહીં હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.જેના પગલે મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલાએ જાતે સરપ્રાઇઝ ચેકીંગમાં નીકળવું પડ્યું છે. વાઘેલાએ શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને અખાદ્ય વાનગીઓના વેચાણ સહિતના મામલે વિવિધ વાણિજ્ય એકમોમાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન સરગાસણ ટી.પી. ૯ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર દુકાનદાર પાસેથી વહિવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ક્રિષ્ના ફાસ્ટફૂડ નામની દુકાન ચલાવતા દુકાનદાર પાસેથી રૂ. ૩૦૦૦નો ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ સ્થળેથી ૫ કિલોગ્રામ જેટલો અખાદ્ય મંચુરિયન તથા ૩ કિલો ગ્રામ જેટલો નુડલ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ એક્સપાયર થયેલા બટરના ત્રણ પેકેટનો પણ નાશ કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ કમિશનરે જાતે ચેકીંગ કરીને અખાદ્ય સામગ્રીનો જથ્થો પકડ્યો તે સારી વાત છે પરંતુ ખરેખર મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીએ આ મામલે નિયમિત કામગીરી કરવાની જરૂરિયાત છે. હાલ નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે. પ્રસાદ અને મોડીરાત સુધી ખાણીપીણીના બજારો ધમધમી રહ્યા છે. ઉપરાંત આગામી દિવાળીના તહેવારો દરમિયાન પણ મીઠાઇ- ફરસાણ સહિતની વાનગીઓનું વેચાણ વધશે તે સંજાેગોમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય અને ગુણવત્તાયુક્ત વાનગીઓ પીરસાય તે માટે મહાનગરપાલિકાએ નિયમિત ફૂડ સેમ્પલો લઇ ચકાસણી કરાવવાની નક્કર વ્યવસ્થા ગોઠવવી જાેઇએ તેવું નાગરિકો ઇચ્છી રહ્યા છે.