ગાંધીનગર જિલ્લામાં વરસાદની સિઝન પુરી થતાની સાથે જ સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખોદવાનું ચાલું થઇ ગયું છે. કોઇપણ રોકટોક વિના ખનીજ માફીયાઓ બેફામ બની ગયા છે ત્યારે આખરે ભૂસ્તર તંત્રએ લાકરોડમાં ચાલતા ગેરકાયદે ખનન પર દરોડો પાડ્યો હતો અને અંદાજે ૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સાબરમતી નદીમાં સંત સરોવર અને લેકાવાડા બેરેજને કારણે હાલ પાણી ભરાયેલું છે. તેમ છતાં ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું છે. આ મામલે ઉઠેલી ફરિયાદોના પગલે ભૂસ્તર શાસ્ત્રીએ વહેલી સવારે લાકરોડા ખાતે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ વખતે રેતી ખનન ચાલું હોવાનું જણાઇ આવ્યું હતું. આથી તેમણે ગાર્ડ અને ટીમને તાત્કાલિક બોલાવી લઇ કાર્યવાહી કરી હતી. આ સ્થળેથી રેતીનું ખોદકામ કરી તેને લઇ જતા ૫ ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા જ્યારે રેતી ખોદીને ડમ્પરમાં ભરતું એસ્કેવેટર મશીન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. જેટલા વિસ્તારમાં ખોદકામ થયું છે તે વિસ્તારની માપણી કરવાની સૂચના આપવામાં આવી છે. જેના આધારે કેટલા ટન રેતીનું ખોદકામ થયું છે તે નક્કી કરીને દંડ વસૂલવામાં આવશે.