આજરોજ રાજકોટ જૂના એ.પી.એમ.સી. ખાતેથી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ખરીફ પાકો મગફળી,સોયાબીન,અડદ અને મગ જેવા ખરીફ પાકોના ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજકોટથી કૃષિ જણસોના ટેકાના ભાવની રાજ્ય વ્યાપી ખરીદીનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે ભારતનો ખેડૂત સમૃદ્ધ બને ત્યારે તેમની આવક બમણી કરવા અને દેશના ખેડૂતોને તેઓની ઉત્પાદિત થતી જણસીઓના તેઓને પોષણક્ષમ ભાવો મળે તે માટે ભારત સરકારશ્રીની લઘુત્તમ ટેકાના ભાવની નીતિનો અમલ કરવામાં આવે છે. ભારતને મહાસત્તા બનાવવામાં ભારતનું સૌથી મોટું રોજગાર ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર છે ત્યારે તેના ખેડૂતોને ઉત્પાદન ક્ષેત્રે કોઈ નુકસાની ન થાય તેની સરકાર દરકાર લઇ રહી છે. વર્ષ ૨૦૨૩-૨૪ માં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી અન્વયે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારની માંગણી મુજબ મગફળી માટે ૯,૯૮,૦૦૦ મે.ટન, સોયાબિન માટે ૯૧,૩૪૩ મે.ટન, મગ માટે ૯,૦૦૦ મે.ટન તથા અડદ માટે ૫૩,૦૦૦ મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા તા. ૨૫-૦૯-૨૦૨૩ થી તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધી ખેડૂતોની નોંધણી કરવા ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ મારફત શરૂ કરવામાં આવેલ હતી, જેમાં તા. ૧૬-૧૦-૨૦૨૩ સુધીમાં મગફળી માટે ૩૫૫૮૫ ખેડૂતો, સોયાબીન માટે ૨૩૩૧૬ ખેડૂતો, મગ પાક માટે ૯૫ ખેડૂતો અને અડદ પાક માટે ૬૨ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ છે. આમ છતાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી થયેલ ખેડૂતોની સંખ્યા અને ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ચારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ આગામી તા. ૩૧/૧૦/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે,આજે ખેતીના બજાર ભાવો પર આંતરરાષ્ટ્રીય ભાવોની પણ અસર પડતી હોય છે ત્યારે ખેડૂતો પરંપરાગત ખેતીના બદલે નવી આધુનિક પદ્ધતિઓ, શોધો, બિયારણો સાથે જ પાકની માંગ અનુસાર તેનું વાવેતર કરશે તો તેઓને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ તેમના પાકોના ભાવો ખૂબ સારા મળી શકશે. સરકાર દ્વારા ખેડૂતોના પાકોને મૂલ્ય વર્ધન કરી ખેડૂતોને તેના પાકના સારા ભાવો આપતા આવા કૃષિ ક્ષેત્રના મૂલ્યવર્ધિત યુનિટો પણ વધુ સ્થપાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે ખેતી ક્ષેત્રે પ્રવૃત્તિ કરતા આવા ઉદ્યોગોને ઇન્ડેક્સ-એ અંતર્ગત સરકાર ખાસ મદદરૂપ બની રહી છે.
વળી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અન્વયે આંતરરાષ્ટ્રીય સ્તરે મિલેટ્ની માંગ વધી છે તો આવા ધાન્યોનું વધુમાં વધુ વાવેતર ગુજરાતનો ખેડૂત કરે તો તેના ભાવો મેળવી તે સક્ષમ બની શકશે.આ સાથે જ મંત્રીશ્રીએ પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકી ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી દ્વારા સ્વાસ્થ્યપ્રદ અન્ન અને ગુણવત્તાલક્ષી ઉત્પાદન અને તેના ગુણવત્તાલક્ષી બજાર ભાવો વિશે વધુ માહિતી આપી હતી.
આ પ્રસંગે ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ખેડૂતોની જણસી તૈયાર થઈ જાય ત્યારબાદ ટેકાના ભાવો જાહેર કરવામાં આવતા હતા જે કારણે પણ ખેડૂતોને પૂરતા ભાવો મેળવવામાં નુકસાન જતું જ્યારે આજે ખેડૂતો વાવેતર કરે તે પહેલા જ તેના ટેકાના ભાવો જાહેર કરાય છે જેના થકી ખેડૂતોને જણસીના વાવેતર અંગે પણ માર્ગદર્શન મળી રહે છે.
વળી, સરકાર દ્વારા વિદેશથી આયાત કરવી પડતી કૃષિ જણસોને જો કોઈ ખેડૂત આપણા જ દેશમાં પકવવા ઇચ્છતો હોય તો તેવા પાકો સરકારની પ્રોત્સાહન નીતિ અંતર્ગત સરકાર ઓનલાઈન પોર્ટલ દ્વારા તેના ભાવ જાહેર કરી ખરીદ કરી લેતી હોય છે.ખેડૂતોના સમૃદ્ધિના માર્ગમાં સહકાર ક્ષેત્ર પણ આગામી દિવસોમાં અનન્ય યોગદાન આપી સહકારથી સમૃદ્ધિના માર્ગે આગળ લઈ જશે તેવી અભ્યર્થના ચેરમેન શ્રી સંઘાણીએ વ્યક્ત કરી હતી.
ભારત સરકાર દ્રારા આ વર્ષ ૨૦૨૩-૨૪ ખરીફ પાકોના ભાવ તા. ૧૯.૦૬.૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકારશ્રીએ મગફળીનો ટેકાનો ભાવ રૂ.૬૩૭૭/-કિવ., મગ નો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮/- કિવ., અડદ નો ટેકાનો ભાવ રૂ.૬૯૫૦/- કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. ૪૬૦૦/- કિવ. જાહેર કરેલ છે.
વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવેલ છે. આ ખરીદ કેન્દ્રો APMC માર્કેટ યાર્ડ ખાતે કાર્યરત કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને તેમની ઉપજ માટે ટેકાના ભાવો મળે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA), છત્ર યોજના લાગુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) યોજના એ ઉચ્ચ રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા અને રાજ્ય અને દેશમાં ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વળતરકારક ભાવો પ્રદાન કરે છે. રાજ્યમાં જે તે પાકોના બજાર ભાવ ટેકાના ભાવથી નીચા જાય ત્યારે રાજ્ય સરકાર તુરંત આગોતરું આયોજન કરી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરે છે.
જેમાં બાજરી, જુવાર, મકાઈ, ડાંગર, કપાસ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ તથા રવિ પાકો જેવા કે ઘઉં, ચણા, રાયડો અને શેરડીનો સમાવેશ થાય છે. છેલ્લા સાત(૭ )વર્ષોમાં રાજ્યમાં મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, રાયડો,મગ અને કપાસની કુલ ૨૫,૯૦,૮૩૯ લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ રૂપિયા ૨૪,૮૦૯ કરોડ મૂલ્યની ૪૯,૨૬,૧૨૦ મેટ્રિક ટન જથ્થાની ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે.
આ પ્રસંગે ચેરમેન શ્રી રાજકોટ ખરીદ-વેચાણ સંઘ શ્રી મગનભાઈ ધોણીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
આ તકે સાંસદશ્રીઓ મોહનભાઈ કુંડારિયા,રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવ, એ.પી.એમ.સી. રાજકોટ ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા, રાજકોટના સહકારી આગેવાનો, અગ્રણી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, સંજયભાઈ રંગાણી, ડો. ડાયાભાઈ પટેલ, ઈન્ચાર્જ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અશોક સોજીત્રા તથા બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.