ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના ભાગરૂપે જગતપુર ખાતે મ્યુનિ. કોર્પોરશન દ્વારા ‘આમ્રવન’નું નિર્માણ
અમદાવાદ
કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના જન્મદિને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કરીને ‘આમ્રવન’ નું નિર્માણ શરૂ કરાવ્યું. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાના ભાગરૂપે શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં જગતપુર તળાવની બાજુમાં મ્યુનિ. કોર્પોરશન દ્વારા ‘આમ્રવન’નું નિર્માણ કરવામાં આવનાર છે, જેમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આંબાના રોપાઓનું વૃક્ષારોપણ કરાવ્યું હતું. ભાગવત વિદ્યાપીઠના ૧૦૮ ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આ વૃક્ષારોપણ વિધિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે લાભોના કાર્ડ અને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તેજ આઇ હોસ્પિટલની ફ્રી આઇ ચેક અપ બસનું પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું હતું.આ વૃક્ષારોપણ પ્રસંગે મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી કિરીટભાઇ સોલંકી, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ. થેન્નારસન, ધારાસભ્ય સર્વેશ્રી જીતેન્દ્રભાઈ પટેલ, અમિતભાઈ ઠાકર, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, AMC ના સભ્યો – કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.