એક દેશ એક ચૂંટણી અંગે કાયદા પંચની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન એવા અહેવાલ છે કે ભારતીય ચૂંટણી પંચ (ECI) એ નવી વ્યવસ્થા લાગુ કરવા માટે એક વર્ષથી વધુનો સમય માગ્યો છે. પંચે પર્યાપ્ત ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) બનાવવા જેવા અનેક કારણો આપ્યા છે. હાલ કાયદા પંચનો રિપોર્ટ તૈયાર થવાની અણીએ છે.2024 અને 2029માં એકસાથે ચૂંટણી યોજવા માટે મશીનોની જરુરિયાત અંગે કાયદા પંચ અગાઉ માહિતી શેર કરી ચૂક્યું છે.
એક વોટિંગ મશીનમાં ત્રણ ભાગ હોય છે જેમાં કન્ટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને વીવીપેટ સામેલ હોય છે. 2024 માટે 11.49 લાખ વધારાના કન્ટ્રોલ યુનિટ, 15.97 લાખ બેલેટ યુનિટ્સ અને 12.37 લાખ વીવીપેટની જરૂર પડશે. તેની પાછળ 5200 કરોડનો ખર્ચો થઈ શકે છે.
માહિતી અનુસાર ચૂંટણીપંચને 53.76 લાખ બેલેટ યુનિટ્સ, 38.67 લાખ કન્ટ્રોલ યુનિટ્સ અને 41.65 લાખ વીવીપેટની જરૂર 2029ની ચૂંટણીમાં પડશે. તેનું મોટું કારણ પોલિંગ સ્ટેશન અને મતદારોની વધતી સંખ્યા છે.
એક અહેવાલ અનુસાર ચૂંટણીપંચ વૈશ્વિક સ્તરે સેમીકંડક્ટર અને ચિપની અછત અંગે ચિંતિત છે. કહેવાય છે કે કાયદા પંચ સાથેની બેઠકમાં પણ ચૂંટણીપંચે આ મુદ્દો ઊઠાવ્યો હતો. ખરેખર ઈવીએમ અને વીવીપેટ એટલે કે વેરિફાયેબલ, પેપર ઓડિટ ટ્રેલ મશીનોમાં તેનો મુખ્યરૂપે ઉપયોગ થાય છે. ખાસ વાત તો એ છે કે ફક્ત લોકસભા ચૂંટણી માટે 2024માં આશરે 4 લાખ મશીનોની જરૂર પડશે. મશીનની આ વતર્માન જરૂરિયાતમાં વિધાનસભા ચૂંટણીને તો સામેલ જ નથી કરાઈ.