ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી
બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ
અમદાવાદ
એક તરફ વધતી જતી મોંઘવારી, વધતા જતા ખર્ચ, બીજી બાજુ સતત ઘટતી આવક, ફિક્સ ડીપોઝીટના ઘટતા જતા વ્યાજદરથી સીનીયર સીટીઝન પરિવારો માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે ત્યારે જનતાના મતથી જીત બાદ રાહત આપવી તે “રાજધર્મ” જનતાના મતથી જીત બાદ મોંઘવારી આપવી તે “રાજઘોખા”, “વિશ્વાસઘાત” તેવા આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, મોઘું શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, વીમા કંપનીના વધતા જતા પ્રિમીયમ, ઘટતા જતા પગારથી સામાન્ય – મધ્યમવર્ગના પરિવારો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યાં છે. 2014માં 400 રૂપિયાનો બાટલો આજે 800 રૂ. જેટલી વસૂલાત થઈ રહી છે. મહિલાઓને મોંઘવારીની ભેટ આપતી ભાજપ સરકારમાં જીત પછી અહંકાર, નિરંકુશતા અને મોંઘવારીના દિવસોના લીધે દેશની અને રાજ્યની જનતા સામનો કરી રહી છે. તહેવાર ટાણે જ મોંઘવારીનો બુસ્ટર ડોઝ પેટે વધુ એક વાર એલ.પી.જી. સીલેન્ડરના ભાવમાં 100 રૂપિયાથી વધુનો વધારો ઝીકવામાં આવ્યો છે.
“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન” ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારમાં મોંઘવારી આસમાને, ભાજપા સરકારમાં સંગ્રહખોરો, કાળાબજારીયાઓ બેફામ છે. કોરોના મહામારી અને આર્થિક હાલાકીમાં મોંઘવારીના બેફામ મારથી સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. છેલ્લા બે વર્ષમાં 44.97 ટકાનો જંગી વધારાથી મહિને ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલીનો ગૃહિણીઓ સામનો કરી રહી છે. ઘરના બજેટ પણ ખોરવાઈ ગયા છે. સીંગતેલ – કપાસીયા તેલના ડબ્બાના બમણા ભાવ, તેલમિલરો અને ભાજપ સરકારની સાંઠગાંઠથી જનતા પરેશાન છે. તેલ, મસાલા, સાબુ, સોડા, સહિતની જીવન નિર્વાહની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવ થી સામાન્ય – મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે.વર્ષ 2014-15 થી વર્ષ 2022-23ના નવ વર્ષના સમયગાળામાં કેન્દ્રની ભાજપ સરકારે પેટ્રોલ – ડીઝલમાં સતત એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકીને 30 લાખ કરોડ જેટલી જંગી રકમ દેશની જનતા પાસેથી વસુલી છે, લૂંટ ચલાવાઈ છે. દૂધ. દહી. છાસ. શાકભાજીના આસમાનને આંબતા ભાવ થી સામાન્ય વર્ગની કમર તૂટી ગઈ છે.બેફામ વધતી મોંઘવારી, મળતીયા સંગ્રહખોરો, કાળા બજારીયાઓની અસહ્ય લૂંટને રોકવામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકારની નીતિના લીધે બેકાબુ બનેલી મોંઘવારી, સતત ઘટતી આવકથી સામાન્ય-મધ્યમ વર્ગ આર્થિક હાલાકીનો ભોગ બની રહ્યો છે.