સનાતન ધર્મમાં શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે : હેમાંગ રાવલ
પેટા મંદિરના પૂજારીઓની સંખ્યા વધારી અને તેમનો પગાર ૫૦૦૦ રૂપિયાથી વધારી લઘુત્તમ વેતન કાયદા મુજબ આપવો જોઈએ : હેમાંગ રાવલ
અંબાજી
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજયકક્ષા, સર્વ સમાજ, પરશુરામ પરિવાર, માઇ ભક્તો અને અંબાજીના સ્થાનિકો દ્વારા આજ રોજ અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠમાં સનાતન ધર્મનો વૈદિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ પરિક્રમાના ૫૧ મંદિરોમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, કલેકટર બનાસકાંઠાને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે, ૫૧ શક્તિપીઠ મંદિરમાં માતાજીની આસ્થા સમાન રાજભોગની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તથા ૫૧ શક્તિપીઠમાં પૂજારીઓની સંખ્યા એક મંદિર દીઠ એક કરવામાં આવે અને પૂજારીશ્રીઓને પગાર લઘુત્તમ વેતન ધારા મુજબ આપવામાં આવે તથા મુખ્ય મંદિરમાં માઇ ભક્તો દ્વારા જે સાડીઓ ધરાવાય છે તે સાડીઓ અને વસ્ત્રનું એ પ્રમાણે આયોજન કરાય કે જેથી કરીને આ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં પણ રોજ વસ્ત્ર બદલાય અને માતાજીને શૃંગાર કરવામાં આવે.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ – રાજ્યકક્ષાના ટ્રસ્ટી અને સનાતન ધર્મ પ્રેમી શ્રી હેમાંગ રાવલ અને ઉપપ્રમુખ શ્રી ડામરાજી રાજગોરે અંબાજી ખાતે મોટી સંખ્યામાં સ્થાનિકો, સર્વસમાજના આગેવાનો, પરશુરામ પરિવાર અને માઇ ભક્તોને સાથે રાખીને આવેદન પત્ર આપીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા ૬૧ પેટા મંદિરો (૫૧ શક્તિપીઠ સહિત) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવેલ છે. ૫૧ શક્તિપીઠ મંદિરનું ઉદઘાટન ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કરેલ હતું. આ મંદિરોમાં કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો પરંતુ કોરોના દરમિયાન મહામારીના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો ત્યારબાદ માઇ ભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવાની વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી.બ્રહ્મ સમાજ અને માઇ ભક્તો તથા લોકલ સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર ૮૦ ગ્રામ મોહનથાળનું ચોસલું ધરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે પરંતુ આ એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે ભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. થાળ તો ઠીક પરંતુ માતાજીના વસ્ત્રો પણ રોજ શણગારીને બદલવામાં નથી આવતા. ઉપરોક્ત કુલ ૬૧ પેટા મંદિરોમાં માત્ર ૩૫ પુજારી સેવા આપી રહ્યાં છે. આ પેટા વિભાગના મંદિરોના પૂજારીશ્રીઓને પગાર પણ માત્ર ૫૦૦૦ રૂપિયા આપવામાં આવે છે જે લઘુત્તમ વેતન ધારાથી પણ ઓછો છે.
અંબાજીમાં પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા લાઈટ એન્ડ સાઉન્ડ શો માં એમ કહેવામાં આવે છે કે ઉપરોક્ત ૫૧ શક્તિપીઠમાં વિધિ વિધાનથી પૂજા થાય છે અને જે પ્રમાણે અસલ શક્તિપીઠમાં પૂજા કરવામાં આવે છે એ જ પ્રમાણે પૂજા કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે વિધિ વિધાનનો સૌ પ્રથમ નિયમ એ માતાજીને થાળ ધરાવવાનો હોય છે વળી આ ૫૧ શક્તિપીઠ મંદિરોમાં માત્ર ૩૪ પૂજારી હોવાથી વિધિ વિધાનથી વિધિઓ અને વસ્ત્ર બદલવાની શૃંગાર કરવાનું પણ અઘરું બની ગયું છે. અમો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા, સર્વ સમાજ, પરશુરામ પરિવાર અને અંબાજીના સ્થાનિકો તથા માઈ ભક્તોની રજૂઆત છે કે ૫૧ શક્તિપીઠ મંદિરમાં માતાજીની આસ્થા સમાન રાજભોગની કાયમી વ્યવસ્થા કરવામાં આવે તથા ૫૧ શક્તિપીઠમાં પૂજારીઓની સંખ્યા એક મંદિર દીઠ એક કરવામાં આવે અને પૂજારીશ્રીઓનો પગાર લઘુત્તમ વેતન ધારા મુજબ આપવામાં આવે તથા મુખ્ય મંદિરમાં માઇ ભક્તો દ્વારા સાડીઓ ધરાવાય છે તે સાડીઓ અને વસ્ત્રનું એ પ્રમાણે આયોજન કરાય કે જેથી કરીને આ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓમાં પણ રોજ વસ્ત્ર બદલાય અને ભાવિકજનો શ્રદ્ધાપૂર્વક શૃંગાર દર્શન કરી શકે તેવી આવેદન પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હતી.આવેદન પત્ર દ્વારા રજુઆતમાં, પરશુરામ પરિવાર, સમસ્ત સમાજ, અંબાજીના સ્થાનિકો સહિત દિનેશ હીરાલાલ મહેતા પરશુરામ પરિવાર, શ્રી તુલસીભાઈ જોશી, સંજયભાઈ શર્મા, દુષ્યંતભાઈ આચાર્ય, પ્રદીપભાઈ ભોજક, સુનિલભાઈ બ્રહ્મભટ્ટ, સંજયભાઈ ત્રિવેદી, સૌમિલ રાવલ, જીતુભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો હાજર રહ્યા હતા.