ફિલિસ્તાની સંગઠન હમાસના ઈઝરાયેલ પર હુમલા બાદ ઈઝરાયેલ જવાબી કાર્યવાહીમાં ગાઝા પર સતત બોમ્બમારો કરી રહ્યું છે. વિશ્વના ઘણા દેશો યુદ્ધ બંધ કરવાની અપીલ કરી રહ્યા છે, પરંતુ ઈઝરાયેલનું કહેવું છે કે, જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી યુદ્ધ બંધ નહીં થાય.
હવે દુનિયાભરના લોકો ઈઝરાયેલના હુમલાની નિંદા કરી રહ્યા છે. ભારતમાં સામાન્ય લોકોની સાથે-સાથે કેટલીક સેલિબ્રિટી પણ ઈઝરાયેલના હુમલા પર પ્રતિક્રિયા આપી રહી છે.ફિલ્મ અભિનેત્રી અને અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.
ટ્વિંકલ ખન્નાએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 2019 બાદ વિશ્વભરમાં થયેલા વિવાદોમાં જેટલા બાળકો દર વર્ષે મૃત્યુ પામ્યા છે તેનાથી વધુ બાળકો તો ગાઝામાં લાસ્ટ અઠવાડિયામાં મૃત્યુ પામ્યા છે.
અલ જઝીરાએ જણાવ્યું છે કે આ આંકડા સેવ ધ ચિલ્ડ્રન એનજીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. ટ્વિંકલ ખન્નાએ આ આંકડાઓ પર પ્રતિક્રિયા આપી હતી. તેણે લખ્યું, “આપણે આ બધું થતું રહે તેની પરવાનગી કેમની આપી શકીએ છીએ?”
સેવ ધ ચિલ્ડ્રન એનજીઓના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 7 ઓક્ટોબરથી ગાઝામાં 3,324 બાળકોના મોત થયા છે. આ સિવાય વેસ્ટ બેંક વિસ્તારમાં 36 બાળકોના મોત થયા છે. સેવ ધ ચિલ્ડ્રનએ પેલેસ્ટિનિયન હેલ્થ ઓથોરિટીઝને ટાંકીને આ આંકડા આપ્યા છે.
સેવ ધ ચિલ્ડ્રન એનજીઓએ કહ્યું કે, બાળકો અને સશસ્ત્ર સંઘર્ષ પર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના અહેવાલમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં 24 દેશોમાં 2,985 બાળકોના મોત થયા છે. અગાઉ, 22 દેશોમાં 2021માં 2,515 અને 2020માં 2,674 બાળકોના મોત થયા હતા.
ગાઝા પર ઈઝરાયેલનો હુમલો હજુ પણ ચાલુ છે. અહેવાલો અનુસાર ગાઝામાં 1000થી વધુ બાળકો ગુમ છે. એવી આશંકા છે કે, આ બાળકો બોમ્બ વિસ્ફોટમાં નાશ પામેલી ઈમારતના કાટમાળ નીચે દટાયેલા હોઈ શકે છે. ગાઝામાં અત્યાર સુધીમાં લગભગ 8000 લોકો માર્યા ગયા છે. તેમાંથી લગભગ 40 ટકા બાળકો છે. જ્યારે ઈઝરાયેલની આ કાર્યવાહીમાં 6000થી વધુ બાળકો ઘાયલ પણ થયા છે.