મુંબઇ-પૂણે એક્સપ્રેસ વે પર એક એમ્બ્યુલન્સમાં વિસ્ફોટ થતા એક મહિલાનું મોત થયું છે. એરોલીની મહિલાને એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સપોર્ટ આપીને લઇ જવામાં આવતી હતી પરંતુ વાહનમાં વિસ્ફોટ થતા ઓક્સિજન સિલિન્ડર ફાટી ગયું હતું અને સપ્લાય બંધ થઇ જતા તેનું મોત થયું હતું.
74 વર્ષીય નીલાબાઇ કવાલડરને સારવાર માટે એમ્બ્યુલન્સમાં કર્ણાટકમાં તેના ઘરે લઇ જવામાં આવતી હતી પરંતુ વાહનના એન્જિનમાં શોર્ટ સર્કિટને કારણે સતત બે વિસ્ફોટ થયા હતા.
એક રિપોર્ટ અનુસાર જ્યારે દૂર્ઘટના થઇ તો એમ્બ્યુલન્સમાં મૃતક સહિત સાત લોકો હતા. વિસ્ફોટ પછી તમામ લોકો ઉતરી ગયા હતા પરંતુ ઓક્સીજન સપ્લાય બંધ થતા મહિલાનું મોત થયું હતું. પ્રથમ વિસ્ફોટ થયા પછી એમ્બ્યુલન્સ રિવર્સમાં ચાલવા લાગી હતી અને તેને ત્યા ઉભેલી મોટરસાઇકલને ટક્કર મારી હતી. જ્યારે બીજો વિસ્ફોટ થયો તે પછી એમ્બ્યુલન્સ અને મોટરસાઇકલ બન્નેને નુકસાન થયું હતું.
હાઇવે સેફ્ટી પેટ્રોલ બોરઘાટ યૂનિટના સહાયક ઇંસ્પેક્ટર યોગેશ ભોસલેએ કહ્યું, ‘અન્ય એક એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી પરંતુ મહિલાને બચાવી શકાઇ નહતી.’