દિવાળીના ગણતરીના દિવસો બાકી છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ફરી તપાસ હાથ ધરી છે. તહેવાર પહેલા હાથ ધરાયેલી તપાસમાં અખાદ્ય ફરસાણનો જથ્થો મળી આવ્યો હતો.
તહેવારના સમયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય અને લોકોને અખાદ્ય સામગ્રી ન પકડાવી દેવામાં આવે તેવી ઉદ્દેશ્ય સાથે આરોગ્ય વિભાગની ટીમે વિવિધ વિસ્તારોમાં દરોડાની કામગીરી હાથ ધરી છે.આ કામગીરી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે રાજકોટના જામનગર રોડ પર આવેલા માધાપર ગામની ભરત નમકીનમાં દરોડા પાડ્યા છે.આરોગ્ય વિભાગની દરોડાની કામગીરી દરમિયાન ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
ભરત નમકીન નામની પેઢીમાંથી અખાદ્ય ફરસાણનો જથ્થો મળી આવ્યો છે. તે પણ એક કે બે કિલો નહીં પરંતું અધધ કહી શકાય તેટલો 9 ટન ફરસાણનો જથ્થો મળી આવ્યો છે. આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન સામે આવ્યું છે કે ફરસાણના પેકેટ પર ક્યાંય પણ એક્સપાયરી ડેટનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.આ ઉપરાંત ગાંઠિયામાં પણ વોશિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
એક તરફ જ્યાં આરોગ્ય વિભાગની તપાસમાં અખાદ્ય ફરસાણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યાં બીજી તરફ ભરત નમકીનના માલિકનું કહેવું છે કે એકસ્પાયરી વિનાના જે પેકેટ મળી આવ્યો છે. તેના પર પ્રિન્ટિંગનું કામ બાકી હતું. તો સાથે જ વોશિંગ સોડાનો જથ્થો મળી આવ્યો છે. તે મુદ્દે બચાવ કરતા ભરત નમકીનના માલિકનું કહેવું છે કે આ સોડા તેમણે ફેક્ટરી ધોવા માટે મગાવ્યા હતા.,