થોડા દિવસો બાદ હવે દિવાળીનો તહેવાર છે. જેનું આખું વર્ષ કંઈ સારું ન થયું હોય તેમ છતાં જો દિવાળીના ગણતરીના દિવસો પહેલા કંઈક સારૂં થાય તો એમ કહેવાય કે દિવાળી સુધરી. આવું જ કંઈક અમદાવાદ સિવિલના વર્ગ 4 અને આઉટસોર્સના કર્મચારીઓની સાથે થયું છે.તંત્ર દ્વારા તેમને બોનસ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ પગાર પણ દિવાળી પહેલા ચૂકવવાના આદેશ થયા છે.
આ વખતે ગુજરાતના સરકારી કર્મચારીઓની જેમ જ અમદાવાદ સિવિલના કર્મચારીઓની દિવાળી પણ સુધરી હોય તેમ કહી શકાય. મહત્વનું છે કે સિવિલ તંત્ર દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલના ક્લાસ 4ના કર્મચારીઓને બોનસની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય આ હોસ્પિટલમાં આઉટસોર્સની રીતે કામ કરતા કર્મચારીઓને પણ બોનસ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. આમ વર્ગ 4ના કુલ 2000 કર્મચારીઓને દિવાળી પહેલા ફાયદો થયો છે.
આ તમામની સાથે જ વધુમાં તેમનો પગાર પણ દિવાળી પહેલા ચૂકવી દેવાના નિર્દેશ તંત્ર તરફથી આપી દેવામાં આવ્યા છે. જેથી આ તમામ કર્મચારીઓને તેમનો પગાર પણ દિવાળી પહેલા મળી જશે. આમ ખરેખર સિવિલ તંત્ર દ્વારા આ નાના કર્મચારીઓનું ધ્યાન રાખીને એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ખરેખરપણ કહી શકાય તેમ છે કે સિવિલમાં કામ કરતા વર્ગ4 અને આઉટસોર્સ કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે.
નોંધનીય છે કે આ મામલે કુલ 2 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો અંદાજ છે. આ માટેની માહિતી ખુદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી દ્વારા આપવામાં આવી હતી. આમ આખું વર્ષ સિવિલમાં પોતાની જાત ઘસીને પણ તમામ દર્દીઓની સેવાસુશ્રુષા કરતા આ નાના કર્મચારીઓનું ધ્યાન રાખીને અને તેમને દિવાળી પહેલા બોનસ અને પગાર જેવી જાહેરાત કરીને તંત્ર દ્વારા એક સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. આમ ખરેખર આ તમામ કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે એમ કહી શકાય.