– દેશના અર્થતંત્રમાં એશિયાની જુનામાં જુની વાપી જીઆઈડીસીનું બહુમૂલ્ય યોગદાન: જીએસટી સેવા કેન્દ્ર દ્વારા કોઈ તકલીફ પડશે નહી પરંતુ સુવિધામાં વધારો થશે. બોગસ રજિસ્ટ્રેશન થશે નહીઃ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ
કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમનના હસ્તે ચંદ્રયાન – ૩ ની પ્રતિકૃતિ વાપી તાલુકાની વિવિધ શાળાઓને ભેટ સ્વરૂપે અપાઈ
વલસાડ
કેન્દ્ર સરકારના નાણાં અને કોર્પોરેટ અફેર્સ વિભાગના મંત્રીશ્રી નિર્મલા સીતારમનના હસ્તે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના વાપીની જ્ઞાનધામ સ્કૂલ ખાતે જીએસટી સેવા કેન્દ્રની સાથે રાજ્યના ૧૨ જીએસટી સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રીશ્રી સીતારમને જણાવ્યું કે, બોગસ બીલિંગ અટકાવવા માટે શરૂ થઈ રહેલા જીએસટી સેવા કેન્દ્રમાં બાયોમેટ્રીક સિસ્ટમથી જીએસટી નંબર મેળવવા માટેની તમામ પ્રોસેસ પાસપોર્ટ મેળવતી વખતે કરવાની હોય તે મુજબની જ છે, માત્ર પોલિસ વેરિફિકેશન કરવાનું રહેતું નથી. ગુજરાતમાં મુખ્ય મુખ્ય જગ્યા પસંદ કરી જીએસટી સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. દરેક કચેરીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર એક સરખું છે. લોકોને સરળતા પડે તે મુજબ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જે બદલ ગુજરાત જીએસટી ટીમને બિરદાવું છું. ગુજરાત બિઝનેશનું હબ છે ત્યારે પાયલોટ પ્રોજેકટ તરીકે ગુજરાતમાં શરૂ થયેલા જીએસટી સેન્ટર અન્ય રાજ્યો માટે મોડલ બનશે.
વધુમાં મંત્રીશ્રીએ ‘‘મેરા બિલ, મેરા અધિકાર’’ કેમ્પઈન અંગે કહ્યું કે, દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ખરીદી કરતી વખતે વેપારી કે દુકાનદાર પાસે બિલ માંગી રાષ્ટ્રના વિકાસમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી શકે છે. ગ્રાહક ટ્રેન્ડ સેટર બની શકે છે. બિલ લેવું ગ્રાહકનો અધિકાર છે અને બિલ આપવું એ વેપારી-દુકાનદારની ફરજ છે. મેરા બિલ, મેરા અધિકારથી લોકોમાં જાગૃતિ આવી રહી છે. પીઝા, મિઠાઈ અને કપડાં જેવી નાની મોટી ખરીદી કરી ગ્રાહકોએ બિલ અપલોડ કર્યું તેનાથી લકી ડ્રોમાં જે લોકોને રૂ. ૧૦ લાખનું ઇનામ મળ્યું છે તેઓ અભિનંદનને પાત્ર છે. વધુમાં વધુ લોકો ખરીદી કરતી વખતે બિલ મેળવી અપલોડ કરે એ દેશના વિકાસમાં મોટું કદમ કહેવાશે. દુકાનદારોએ પણ નૈતિક ફરજના ભાગરૂપે સામે ચાલીને બિલ આપે એટલી પ્રમાણિકતા દાખવવી જોઈએ. જીએસટીને ૬ વર્ષ પુરા થયા છે. લોકોની જાગૃતિના કારણે દર મહિને ટેક્સ કલેક્શન વધી રહ્યું છે. જેના થકી રાષ્ટ્રનો પારદર્શી વિકાસ થઈ રહ્યો છે. મંત્રીશ્રીએ વલસાડના પનોતા પુત્ર અને દેશના માજી વડાપ્રધાન સ્વ. મોરારજીભાઈ દેસાઈને યાદ કરી કહ્યું કે, સિદ્ધાંત અને નીતિમત્તાના કારણે તેઓ મહાન નેતા બન્યા હતા. મોરારજી દેસાઈએ તેમના વડાપ્રધાનના સેવાકાળ દરમિયાન ગુજરાતને એશિયાની સૌથી મોટી વાપી જીઆઇડીસી ભેટ ધરી હતી. દેશના અર્થતંત્રમાં વાપી જીઆઇડીસીનું બહુમૂલ્ય યોગદાન છે. આજે વાપીની ધરતી પર આવી ગર્વ અનુભવું છું એવું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ દિવાળી પર્વે વાપીને જીએસટી સેવા કેન્દ્રની ભેટ આપવા બદલ કેન્દ્રીય નાણામંત્રીશ્રીનો આભાર માની જણાવ્યું કે, જીએસટી ૬ વર્ષ પહેલાં લાગુ થયું ત્યારે લોકોના અનેક પ્રશ્નો હતા પરંતુ દેશના દરેક રાજયોના જીએસટી કાઉન્સિલના મેમ્બરોના અભિપ્રાયો જાણીને જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિર્મલા સીતારમનજીએ લોકોના હિતને પ્રાધાન્ય આપી અનેક ફેરફારો કર્યા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનું સપનું હતું કે, ‘‘વન નેશન, વન ટેક્સ’’ જે સાકાર થયું છે. જે માટે આજના તબક્કે સ્વ. અરુણ જેટલીને યાદ કરવા જરૂરી છે તેમણે જીએસટીના બંધારણમાં પાયારૂપ ભૂમિકા ભજવી હતી. દેશના વિકાસમાં ગુજરાતનો વિશેષ ફાળો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ૧૮ ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ૧૦ ટકા ફેકટરી ગુજરાતમાં છે. ગુજરાત બિઝનેસ ફ્રેન્ડલી છે. વાપીના ઉદ્યોગો દ્વારા હાલમાં અંદાજીત બે લાખથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે. જીએસટી કલેક્શનમાં ગુજરાતમાં વાપી ૧૦ ટકા ફાળો આપે છે. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે અને ડેડીકેટ ફ્રેઈટ કોરિડોર પણ વાપીથી પસાર થશે. વધુમાં ગુજરાત સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટની કામગીરીને બિરદાવતા મંત્રીશ્રી દેસાઈએ જણાવ્યું કે, ૨૦ ટકા વધારા સાથે ૧ લાખ કરોડથી વધુ જીએસટી કલેક્શન થયું છે. મેરા બિલ, મેરા અધિકારથી મોટી સફળતા મળી છે. જીએસટી સેવા કેન્દ્ર દ્વારા કોઈ પણ કરદાતા કે વિક્રેતાને તકલીફ પડશે નહી પરંતુ સુવિધામાં વધારો થશે. કોઈ પણ બોગસ રજિસ્ટ્રેશન થશે નહી. આ સેન્ટરો ઉપયોગી બનશે એવી મંત્રીશ્રીએ આશા વ્યકત કરી હતી. વધુમાં તેમણે વાપીમાં જ આ કાર્યક્રમ થવાના કારણ અંગે કહ્યું કે, વાપી એશિયાની જુનામાં જુની જીઆઈડીસી છે, સ્કૂલ, હોસ્પિટલ અને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણમાં પણ અગ્રેસર ફાળો આપે છે.સીબીએસઆઈના ચેરમેન સંજ્ય અગ્રવાલે મેરા બીલ, મેરા અધિકાર થકી મળેલી સફળતા વર્ણવી હતી. જીએસટીના ગુજરાતના ચીફ કમિશનર સમીર વકીલ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યના ૧૨ વિવિધ જીએસટી સેવા કેન્દ્રમાં થતી કામગીરીની ફિલ્મ બતાવવામાં આવી હતી. ૧૨ જીએસટી સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે. કેન્દ્રિય નાણામંત્રીશ્રીએ વાપીના જીએસટી સેવા કેન્દ્રની વિઝિટ કરી હતી. જ્ઞાનધામ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીતની કૃતિ રજૂ કરી હતી. મંત્રીશ્રી નિર્મલા સીતારમનના હસ્તે વાપી તાલુકાની વિવિધ શાળાને ચંદ્રયાન – ૩ ની પ્રતિકૃતિ ભેટરૂપે આપવામાં આવી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં વલસાડ ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ, ધરમપુર અને ઉમરગામના ધારાસભ્ય સર્વ ભરતભાઇ પટેલ, અરવિંદભાઈ પટેલ અને રમણલાલ પાટકર, જિલ્લા સંગઠનના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વીઆઈએ પ્રમુખ સતિષભાઈ પટેલ અને જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત વાપીના ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અમી જસાનીએ કર્યુ હતું.
‘મેરા બિલ, મેરા અધિકાર’’ એપમાં બિલ અપલોડ કરનાર ૬ ગ્રાહકોને રૂ. ૧૦ લાખનું ઈનામ અપાયુ
‘‘મેરા બિલ, મેરા અધિકાર’’ લકી ડ્રોમાં રૂ. ૧૦ લાખનું ઈનામના વિજેતા બનનાર ૬ ભાગ્યશાળી ગ્રાહકોનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદના ગૃહિણી સ્મિતાબેન રાજેન્દ્રસિંહ રાજએ રૂ. ૬૫૧ના પિઝા ખરીદીનું બીલ, સુરત કતારગામના ડો. મિતેશ અરવિંદભાઈ આંબલિયાએ રેસ્ટોરન્ટમાં ભોજનનું રૂ. ૬૬૫નું બિલ, અમદાવાદના શિક્ષક હર્ષદ અંબાલાલ પટેલે ગ્રોસરી ખરીદીનું રૂ. ૧૭૩૪નું બિલ, ભૂજના પોલીસ કોન્સ્ટેબલ રોહિત નાથુભાઈ રાઠોડે ઘર સામાન ખરીદીનું રૂ. ૨૨૮નું બિલ, અમદાવાદ ચાંદખેડાના પુનિત સત્યપ્રકાશ શર્માએ કપડા ખરીદીનું રૂ. ૧૫૦૦નું બિલ અને અમદાવાદના અતુલભાઈ સોમાણીએ મિઠાઈ ખરીદીનું બિલ મેરા બિલ, મેરા અધિકાર એપમાં અપલોડ કર્યુ હતુ. લકી ડ્રોમાં આ ૬ ગ્રાહકો વિજેતા થતા તેઓને રૂ. ૧૦ લાખના ઈનામનો ચેક મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.