GJ- ૧૮ એટલે કે ગુજરાતનું કહેવાતું એવું પાટનગર , આ પાટનગરનું કોર્ટ કમ્પાઉન્ડ કે જ્યાં જિલ્લાભરના અસીલો પોતાના કોર્ટ કચેરીના કામે આવતા હોય છે અને વકીલોના બેસવાના શેડ પણ જ્યાં આવેલા છે, ત્યાં આગળ કર્મચારીઓની બેદરકારીને કારણે છત પર આવેલ પાણીની ટાંકી ઓવરફ્લો થવાથી હાલ કોર્ટ કમ્પાઉન્ડની હાલત ગંદા પાણીથી બદતર થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા એક મહિનાથી કોર્ટ કમ્પાઉન્ડમાં ગંદા પાણીનો ભરાવો થયેલ છે ,જેથી કોર્ટમાં આવતા અસીલો તેમજ કર્મચારીઓ અને વકીલોને કમ્પાઉન્ડમાં અવરજવર કરવામાં ભારે તકલીફ થઈ રહી છે. છેલ્લા એક મહિનાથી સતત પાણી ભરાવાને લીધે ગંદકી ફેલાઇ છે અને મચ્છરજન્ય રોગો અને ભયંકર બીમારી ફેલાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે, ત્યારે આ બાબતે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. આથી આ સમસ્યા નું જલ્દીથી નિરાકરણ લાવવા માટે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ગાંધીનગરને લેખિતમાં પત્ર દ્વારા અરજી કરવામાં આવેલ છે. આ પત્રમાં એવું પણ જણાવેલ છે કે આ પ્રશ્નનો ઝડપથી નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.