દિવાળીના તહેવારો હવે શરૂ થવામાં છે ત્યારે ફરસાણ અને મીઠાઈની દુકાનો પર ભારે ભીડ જાેવા મળી રહી છે. ભેળસેળયુક્ત મીઠાઈ અને ફરસાણ ખાઈને લોકોના સ્વાસ્થ્યને નુકસાન ના થાય તેના માટે કોર્પોરેશનના ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરની વિવિધ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
નમકીન અને ફરસાણમાં બેસન, મેંદો, ખાંડ, ઘી, તેલ વગેરે વસ્તુઓ હોય છે. આ દરેક વસ્તુઓની ક્વોલિટી યોગ્ય ના હોય તો, લોકોના આરોગ્ય પર ખરાબ અસર થઈ શકે છે. તેથી ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટએ ત્રણ દિવસમાં ૯૬ જગ્યા ઉપર તપાસ હાથ ધરી. દુકાનોમાં તેલનો ટીપીસી ટેસ્ટ પણ કર્યો. ટીપીસી ટેસ્ટ એટલે ‘’ટોટલ પ્લેટ કાઉન્ટ’’. તેલમાં બેક્ટેરિયા કેટલો છે, તે આનાથી જાણી શકાય છે. દુકાનોમાંથી ૩૩ લીટર તેલ ઢોળી નાખવામાં આવ્યું. એક જ કઢાઈમાં ઘણીવાર તળવાથી તેલનો ટીપીસી ટેસ્ટનો આંક વધી જાય છે. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.મોટાભાગની મીઠાઈઓ ઓન ધ સ્પોટ ટેસ્ટિંગમાં યોગ્ય નીકળી હતી. ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ માટે મોબાઈલ વાનમાં એક કેમિસ્ટ રખાયા હતા. ૧૪ મીઠાઈના નમૂના, ૧૨ નમકીનના નમૂના, અને ૬ રો મટીરીયલ જેમ કે, બેસન, મસાલાઓ, લોટ વગેરેના નમૂનાઓ ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જેનું પરિણામ ૧૫ દિવસ બાદ આવશે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાય છે તે લેબોરેટરી મુંબઈના થાણેમાં છે.