વસુધૈવ કુટુમ્બકમ ના અભિગમ ને અનુલક્ષીને, સમાજ ના વિવિધ વર્ગો સાથે પરિષદ અને સંવાદ, તથા વિવિધ વૈદિક પૂજા, યજ્ઞ અને સત્સંગ નું શ્રી શ્રી ગુજરાત આશ્રમ -વાસદ આશ્રમ ખાતે આયોજન
અમદાવાદ
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ, પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી, દિવાળી ઉત્સવ નિમિત્તે ૧૦ નવેમ્બર- ૧૪ નવેમ્બર દરમ્યાન ગુજરાત પધારી રહ્યા છે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનું મુખ્ય મથક ભારતમાં છે, ૧૮૦ જેટલાં રાષ્ટ્રોમાં આર્ટ ઓફ લિવિંગની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થા દ્વારા, વિશ્વભરમાં અનેકવિધ સેવા કાર્યો પ્રયોજાઈ રહ્યાં છે.
પૂજ્ય ગુરુદેવ સમગ્ર વિશ્વમાં શાંતિ, ઐક્ય તથા વિવિધ માનવીય મૂલ્યો નાં પુનરુત્થાન માટે અવિરત પ્રયાસ કરી રહ્યા છે, તેમના વસુધૈવ કુટુમ્બકમ ના અભિગમ ને અનુલક્ષીને, સમાજ ના વિવિધ વર્ગો સાથે પરિષદ અને સંવાદ, તથા વિવિધ વૈદિક પૂજા, યજ્ઞ અને સત્સંગ નું શ્રી શ્રી ગુજરાત આશ્રમ -વાસદ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
૧૦/૧૧/૨૦૨૩
ગુરુકુળ-ઉદ્ઘાટન
ગુરુદેવની પ્રેરણાથી દેશમાં વિવિધ આર્ટ ઓફ લિવિંગ આશ્રમ ખાતે નિ:શુલ્ક ગુરુકુળનું સંચાલન થઈ રહ્યું છે. અહી ૮ વર્ષના અભ્યાસક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ વેદ, આગમ, જ્યોતિષ, સંગીત, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન, ગણિત, સાહિત્ય, સંસ્કૃત, નાટ્યશાસ્ત્ર જેવા વિવિધ વિષયોનું અધ્યયન કરે છે. શ્રી શ્રી ગુજરાત આશ્રમ-વાસદ ખાતે પણ ગુરુકુળનું સંચાલન થઈ રહ્યું છે, તેનું વિધિવત ઉદ્ઘાટન ૪:૩૦ સાંજે, ગુરુદેવ શ્રી શ્રી ની ઉપસ્થિતિમાં થશે. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ શ્રીમદ ભગવદ ગીતા, અષ્ટાવક્ર ગીતા, નારદ ભક્તિ સૂત્ર, શિવ સૂત્ર, કઠોપનિષદ, કેનોપનિષદ અને અન્ય ઉપનિષદ, નાસદીય સૂક્ત, સ્પંદ કારિકા, વિજ્ઞાન ભૈરવ જેવાં વિભિન્ન શાસ્ત્રોને સમજાવતી જ્ઞાન શિબિરોનું સ્વયં સંચાલન કર્યું છે, તેમનાં આશીર્વચન સાથે ગુરુકુળમાં વિદ્યાર્થીઓ મંગળ પ્રવેશ કરશે.
ડીગ્નીટરી મીટ
ત્યાર પછી સમાજનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ( દક્ષિણ ગુજરાત) સાથે ગુરુદેવ વાર્તાલાપ કરશે તથા તણાવમુક્ત અને સ્વસ્થ સમાજનાં નિર્માણની દિશામાં કઈ રીતે વધુ ને વધુ કાર્યશીલ બની શકાય, પર્યાવરણ સુરક્ષા, યુવાનો માં આત્મબળ નો સંચાર, જેવા વિષયો પર વિચાર-વિમર્શ કરશે.
ધન્વંતરિ હોમ અને સત્સંગ
ધનતેરસ ના શુભ દિવસે, ગુરુદેવની ઉપસ્થિતિમાં શ્રી શ્રી ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વિધિપૂર્વક શ્રી ધન્વંતરિ હોમ કરવામાં આવશે. ૧૦૮ પ્રકારની વિવિધ ઔષધિઓની આહુતિ દ્વારા થતો આ વિશેષ હવન, પર્યાવરણને શુદ્ધ કરે છે અને આરોગ્યનું વરદાન આપે છે.
૧૧/૧૧/૨૦૨૩
ફાર્મર્સ મીટ
આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા, આપણાં અન્નદાતા ખેડૂતો ઓર્ગેનિક ખેતીની વૈજ્ઞાનિક તાલીમ મેળવે અને જીવનમાં નિરાશાનો અનુભવ ન કરે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સેવાકાર્ય અંતર્ગત ૨૨ રાજ્યોમાં, અંદાજિત ૨૨ લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી છે. સંસ્થાના પ્રયાસથી ૫૬૧૫૭ એકર ભૂમિનું, કૃષિ ઉપયોગી ભૂમિમાં રૂપાંતરણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ખેડૂતો સાથે, સવારે ૧૦:૦૦ ક. યોજાનાર પરિષદમાં ગુરુદેવ શ્રી શ્રી સંવાદ કરશે તથા આશીર્વચન કહેશે. તેઓની સાથે જ, ગુરુદેવ આસપાસના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેશે.
જ્ઞાન-ગંગા
પ્રતિદિન વ્યક્તિનાં જીવનમાં ઉદ્ભવતી માનસિક વિટંબણાઓ, તણાવ અને નકારાત્મકતા ને કઈ રીતે સહજતાપૂર્વક નિવારી શકાય એ માટે ગુરુદેવ શ્રી શ્રી એ “એન ઇન્ટિમેટ નોટ ટુ સિન્સિયર સીકર” પુસ્તકમાં જીવન સંબંધિત ૩૬૬ જેટલા વિવિધ વિષયો ઉપર સંક્ષિપ્તમાં સુંદર અંતરંગ સંવાદ કર્યો છે. એ જ રીતે, જ્ઞાન-ગંગા નામનાં કાર્યક્રમમાં સાંજે ૩:૩૦ ક. એ ગુરુદેવ સાધકોના જીવન અને અધ્યાત્મ સંબંધિત વિવિધ પ્રશ્નોના ઉત્તર આપશે. માનવ જીવનનો હેતુ શું છે? સાચા ગુરુની લાક્ષણિકતાઓ, સાચા શિષ્યનાં લક્ષણ, પ્રશ્નો કેટલા પ્રકારનાં હોય? અધ્યાત્મ અને વ્યાવહારિક જીવનમાં સંતુલન, યોગ નું મુખ્ય ધ્યેય શું છે? ધ્યાનમાં ગહન જવા માટેના સુવર્ણ નિયમો કયા છે? આવા અનેક પ્રશ્નો પર ગુરુદેવ બોધ આપશે.
ગુજરાત ક્રિએટર્સ મીટ
ગુરુદેવ શ્રી શ્રી કહે છે, વિશ્વ ધ્રુવીભવન, વિભાજન અને નિરાશા ની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે કલા અને સાંસ્કૃતિક વિવિધતા થી સભર ઉત્સવ જ આપણને પરસ્પર નિકટ લાવશે. કલા અને સંસ્કૃતિ સકારાત્મક જીવન માટે મહત્વપૂર્ણ છે, તેથી જ આ દિશામાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા નિરંતર વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે. તાજેતરમાં જ, સપ્ટેમ્બર-૨૦૨૩માં, આર્ટ ઓફ લિવિંગ દ્વારા, ચતુર્થ વિશ્વ સાંસ્કૃતિક સમારોહનું વોશિંગ્ટન ડીસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, વિશ્વભરમાંથી ૧૭૦૦૦ જેટલા કલાકારો એ, ૩૭ લાખ જેટલા દર્શકો સમક્ષ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. ગુજરાત યાત્રા દરમ્યાન ગુરુદેવ રાજ્યના કલાકારો અને સર્જકો સાથે, સાંજે ૫:૦૦ વાગ્યે સંવાદ કરશે અને આશીર્વચન કહેશે. ગુરુદેવ શ્રી શ્રી વીણાવાદન જાણે છે, તેમની પ્રેરણાથી સુમનેશરંજની નામક નવા રાગનું સર્જન થયું છે.
સત્સંગ: ચતુર્દશીની સંધ્યાએ ભજન-કીર્તન-ધ્યાન-જ્ઞાન સાથે, ગુરુદેવ શ્રી શ્રીની ઉપસ્થિતિમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૨/૧૧/૨૦૨૩
સંત-પરિષદ
દિપાવલીનાં શુભ દિવસે સવારે ૧૦:૦૦ ક. એ ગુરુદેવની ઉપસ્થિતિમાં ગુજરાતના આદરણીય સંતો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યાર પછી ઉત્તર ગુજરાતના અગ્રણીઓ સાથે બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી મહાલક્ષ્મી હોમ અને સત્સંગ
શ્રી મહાલક્ષ્મીની ઉપાસનાથી દારિદ્રય દૂર થાય છે અને વ્યક્તિ પોતાના જીવનમાં અષ્ટ પ્રકારની લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. દિપાવલીની પાવન સંધ્યાએ પૂજ્ય ગુરુદેવની ઉપસ્થિતિમાં વિધિપૂર્વક શ્રી મહાલક્ષ્મી હોમ કરવામાં આવશે. જેમાં ગુજરાતમાં થી વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે.
૧૩/૧૧/૨૦૨૩
ગુરુદેવ શ્રી શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ ના અગ્રણીઓ સાથે સંવાદ કરશે, તથા આર્ટ ઓફ લિવિંગ-ગુજરાત ના પ્રશિક્ષકોને મળીને આશીર્વચન આપશે. ત્યાર પશ્ચાત સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.
૧૪/૧૧/૨૦૨૩
શ્રી મહા ગણપતિ હોમ
નૂતન વર્ષનો શુભારંભ ગુરુદેવની ઉપસ્થિતિમાં શ્રી મહા ગણપતિ હોમ દ્વારા થશે. ત્યાર પછી મધ્ય ગુજરાતના અગ્રણીઓ સાથે વિચાર-વિમર્શનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સાથે ગુરુદેવ શ્રી શ્રી ની ગુજરાત યાત્રા સંપન્ન થશે.
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વિશ્વ પરિભ્રમણ કરીને વસુધૈવ કુટુંબકમ ની ભાવનાનો પ્રસાર કરી રહ્યા છે અને એક વૈશ્વિક શાંતિદૂત ની ભૂમિકા નિભાવી રહ્યા છે. તેમનાં આ કાર્યને બિરદાવતાં ૨૯ જેટલા દેશોમાં વિભિન્ન દિવસે શ્રી શ્રી રવિશંકર દિન મનાવવામાં આવે છે. પદ્મવિભૂષણથી સન્માનિત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી, ૨૬ જેટલી માનદ પીએચડી ડિગ્રી ધરાવે છે.