ગાંધીનગરના સેકટર – 23 ની કડી કેમ્પસની બોય્સ હોસ્ટેલમાં રહી આઇ.ટીનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થીને નજીવી બાબતે માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મિત્રો સાથે જન્મદિનની ઉજવણી કરતાં વિદ્યાર્થીને રેક્ટરે પોતાના મળતિયા સાથે મળીને વાળ પકડી રૂમની બહાર ઢસડીને કપડાં સૂકવવાનાં સ્ટેન્ડનાં સળિયા વડે માર મારી હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપતાં સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાનો રહેવાસી 17 વર્ષીય વિદ્યાર્થી હાલ ગાંધીનગર સેકટર – 23 ખાતે કડી કેમ્પસમાં આવેલ બોય્સ હોસ્ટેલમાં રહી આઇ.ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. દિવાળીના વેકેશન નિમિત્તે ગઈકાલે સાંજે વિદ્યાર્થી પોતાના ઘરે ગયો હતો. અને પિતાને ફરિયાદ કરી હતી કે, તે અને તેના મિત્રને હોસ્ટેલના રેકટર અનિલભાઇ પટેલ તથા બીજા એક ઇસમ દ્વારા રાત્રીના એક વાગે માર મારવામાં આવ્યો છે. આથી પિતાએ વિગતવાર પૂછતાછ કરતાં માલુમ પડયું હતું કે, તેમનો દીકરો સહિતના મિત્રો જન્મદિન ઉજવણી માટે કેક લાવ્યા હતા. અને રૂમમાં કેક કાપીને મિત્રોએ જન્મદિનની ઉજવણી કરી હતી.
જે બાદ હોસ્ટેલના રેકટર અનિલ પટેલ તેની સાથેના મળતિયા સાથે રૂમ ઉપર પહોંચ્યા હતા. અને કહેવા લાગેલ કે તમે લોકો અમોને શાંતિથી સૂવા દેતા નથી. ઘરે તમારા મા-બાપ સાથે આવું વર્તન કરો છો. આથી સગીરે મિત્રોની બર્થડેની ઉજવણી કરવા ભેગા થયા હોવાનો ખુલાસો કર્યો હતો. આ સાંભળી રેક્ટર અનિલ અને તેનો મળતિયો એકદમ ઉશ્કેરાઈ જઈ સગીર વિદ્યાર્થીઓને બિભત્સ ગાળો ભાંડવા માંડી માર માર્યો હતો.
જે મામલે હોબાળો મચતા હોસ્ટેલના અન્ય વિધાર્થીઓ પણ દોડી આવ્યા હતા. દીકરાની વાત સાંભળીને પિતાએ તેના મિત્રનાં પિતાને સઘળી હકીકત વર્ણવી હતી. અને સગીર દીકરાના મિત્રના ઘરે ગયા હતા. જ્યાં દીકરાનો મિત્ર કોઇની સાથે કોઇપણ પ્રકારની વાતચીત કરતો ન હતો. અને રૂમમાં એકલો બેસી રહ્યો હતો.
બાદમાં તેની પુછતાછ કરતા વધુમાં જાણવા મળેલ કે બંને વિધાર્થીઓને રેક્ટર અનિલ પટેલ અને તેના મળતિયાએ ગડદાપાટુનો માર માર્યો હતો. રૂમમાં પડેલ કપડા સુકવવાના સ્ટેન્ડનો સળીયો લઇ બરડાના તથા થાપાના ભાગે માર માર્યો હતો. અને માથાના વાળ ખેંચીને રૂમમાંથી ઢસડીને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટનાના પગલે સિક્યોરીટી ગાર્ડ સહીતના વિદ્યાર્થીઓ ભેગા થઈ ગયા હતા.
પરંતુ રેક્ટર અનિલનું રૌદ્ર સ્વરૂપ જોઈને કોઈને દરમ્યાનગીરી કરી ન હતી. જેથી અનિલ પટેલને વધુ સૂરાતન ચડ્યા તેને બંને વિદ્યાર્થીઓને ગર્ભિત ધમકીઓ આપેલ કે, આજે તો ઓછો માર પડયો છે. હવેથી રૂમમાં આવુ સેલિબ્રેશન કર્યું છે તો હોસ્ટેલમાંથી રેસ્ટીગેટ કરી નાખીશ. આ મામલે સેકટર – 21 પોલીસે હોસ્ટેલના રેક્ટર અને તેના મળતિયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.