ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં પિડીયાટ્રીક વોર્ડમાં મોડી રાત્રે નર્સની એકલતાનો લાભ ઉઠાવી પૂર્વ પ્રેમીએ શારીરિક છેડછાડ કરી તમામ હદ વટાવી દેતા ભારે હોહા મચી જવા પામી છે. ભુતકાળમાં પૂર્વ પ્રેમીની કરતૂતોથી કંટાળીને નર્સે તમામ સંબંધોનો અંત લાવી દઈ પોલીસ મથકમાં પણ ફરિયાદ કરાઈ હતી. જેની ખુન્નસ રાખી પૂર્વ પ્રેમીએ પિડીયાટ્રીક વોર્ડમાં ઘુસી જઈ નર્સને લાફો ઝીંકી મોઢું દબાવી શારીરિક અડપલાં કરી જીવલેણ હુમલો કરવા ચપ્પુ ખિસ્સામાંથી કાઢવાની તૈયારીઓ પણ કરી હતી. જો કે નર્સે તકનો લાભ ઉઠાવી વોર્ડની બહાર દોડી જઈ બુમાબુમ કરી મુકતા પૂર્વ પ્રેમી નાસી ગયો હતો. આ મામલે સેકટર – 7 પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીક વોર્ડમાં ભોગ બનનાર નર્સ છેલ્લા બે વર્ષથી ફરજ બજાવે છે. આજથી આશરે સાતેક વર્ષથી ધવલસિંહ દશરથસિંહ વાઘેલા (રહે.1208/એ, શાહીબાગ સોસાયટી, અસારવા, અમદાવાદ) સાથે પ્રેમસંબંધો હતા. જો કે ધવલ વ્યસની હોવાની સાથે અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધો રાખી અય્યાશીઓ કરતો રહેતો હતો. જેનાં પગલે નર્સે ધવલ સાથે ત્રણ મહિના પહેલા સંબંધો તોડી નાખ્યા હતા. તેમ છતાં ધવલ નર્સનો પીછો છોડતો ન હતો. આખરે કંટાળીને નર્સે પૂર્વ પ્રેમીથી કાયમી છુટકારો મેળવવા મહિલા પોલીસ મથકમાં અરજી પણ આપી હતી. પરંતુ પોલીસ મથક સુધી મામલો પહોંચતા ધવલ ફફડી ઉઠ્યો હતો. અને બંને પક્ષે સમાધાન થઇ ગયું હતું. જે પછી બંન્ને વચ્ચે કોઈ જાતનો સંપર્ક રહ્યો ન હતો.
ત્યારે ગત તા. છઠ્ઠી નવેમ્બરની રાત્રે નર્સ સિવિલની નવા બિલ્ડીંગના સાતમા માળે આવેલ પિડીયાટ્રીક વોર્ડમાં નાઇટ શીફ્ટમાં નોકરી પર હાજર હતી. એ વખતે સ્ટાફરૂમમાં એકલતાનો લાભ ઉઠાવી અચાનક પૂર્વ પ્રેમી ધવલ ઘુસી ગયો હતો. અને તે મહીલા પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધમાં અરજી કેમ આપી તેમ કહીને નર્સને લાફો ઝીંકી દીધો હતો. બાદમાં નર્સનું મોઢું દબાવીને જબરદસ્તીથી શારીરિક અડપલાં કરવા માંડ્યો હતો. જેથી નર્સે તેની ચુંગાલમાંથી છૂટવા ધક્કો માર્યો હતો. આ દરમ્યાન જીવલેણ હુમલો કરવાના ઈરાદે ધવલ ખિસ્સામાંથી ચપ્પુ કાઢવાની ફિરાકમાં હતો.