અમદાવાદ, ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં કારમાં કાચ તોડી ગાડીની અંદર રહેલી કિંમતી વસ્તુઓ તેમજ રોકડ સહિતની વસ્તુઓ ચોરી થવાની ફરિયાદો વધી રહી હતી, જેને લઈને પોલીસ પણ સતત કાર્યરત હતી. તે દરમિયાન ગાંધીનગર પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે અમદાવાદના છારાનગરમાં રહેતા નિલેશ ઉર્ફે કાલાની ધરપકડ કરી છે. આરોપી નિલેશની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેણે ગાંધીનગરના માણસા તેમજ રાજસ્થાન જયપુરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ચોરીઓ કરી હતી તેમાં તે ફરાર હતો. જેથી પોલીસે નિલેશની ધરપકડ કરી માણસા પોલીસ મથકના બે ગુના તેમ જ રાજસ્થાનનો એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસની વધુ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી નિલેશ તેમજ તેની સાથે ચંદ્રકાંત તમંચા નામનો અન્ય વ્યક્તિ ચોરી કરવામાં સામેલ હોય છે. આ બંને લોકો કારના કાચ તોડી અંદર રહેલી વસ્તુઓની ચોરીઓ કરતા હતા, તો સાથે જ બાઈક ની ડેકી તોડી તેમાં રહેલી વસ્તુઓની પણ ચોરી કરતા હતા. પકડાયેલો આરોપી નિલેશ અગાઉ અમદાવાદ શહેર તેમજ અંકલેશ્વર ખાતે ચોરી અને દારૂના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે.રાજસ્થાનના કોતવાલી જયપુર ખાતે 17 લાખની ચોરીમાં પણ નિલેશ ની સંડોવણી હતી અને તેમાં તે નાસ્તો ફરતો હતો. જો કે ગાંધીનગર પોલીસે નિલેશને પકડી પાડી મહત્વના ગુનાઓનો ભેદ ઉકેલ કાઢ્યો છે તો બીજી તરફ હવે અન્ય આરોપી ચંદ્રકાંત ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ તો પોલીસે નિલેશની ધરપકડ કરતાં તેની પાસેથી 14,500 પણ કબજે કર્યા છે. હવે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને ચંદ્રકાંત તેમજ પકડાયેલા આરોપી નીલેશે અન્ય કેટલી જગ્યાએ ચોરીઓ કે લૂંટને અંજામ આપ્યો છે અને તેમની સાથે આ ચોરીઓ કરવામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે નહીં તેની પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.