ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકની હદ વિસ્તારમાં વાહન ચોરીના ગુનાને અંજામ આપનાર ચોરને ઝડપી પાડી લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પાંચ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યા હતા. પોલીસ દ્વારા કુલ રૂ. 2 લાખ 95 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ મથકની હદ વિસ્તારમાં વાહન ચોરીના બનાવો પ્રકાશમાં આવતા એલસીબી પીઆઈ ડી બી વાળાએ સ્ટાફના માણસોને અત્રેના વિસ્તારમાં એક્ટિવ કરી બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યાં હતા. આ દરમ્યાન બાતમી મળી હતી કે, પુલકીત શિવનારાયણ રાવત (રહે. કુડાસણ, મૂળ રહે. રાજસ્થાન) સગીરને સાથે રાખી વાહન ચોરીના ગુનાને અંજામ આપી રહ્યો છે.
જે બાતમીના આધારે પુલકીતને ઉઠાવી લઈ એલસીબીએ કડકાઈથી પૂછતાંછ કરતાં, તેણે છેલ્લા દસ મહિના દરમ્યાન ઈન્ફોસિટી પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પાંચ વાહનોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેનાં પગલે એલસીબીએ રીઢા ચોર પાસેથી રૂ. 2 લાખ 95 હજારની કિંમતના પાંચ બાઈક બાઈક જપ્ત કરી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વખતથી એક જ મોડસ ઓપરેન્ડીથી વાહન ચોરીના ગુનાને અંજામ આપવામાં આવતો હોવાનું ધ્યાને આવતાં એલસીબીએ ગુનાની જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. … જેમાં રીઢો ચોર આબાદ રીતે કેમેરામાં કેદ થયેલો સામે આવ્યો હતો. અને એલસીબીએ પુલકીતને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.