ચૂંટણી પહેલા ગુજરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. નિખિલ સવાણીએ AAP માંથી રાજીનામું આપી દીધું છે. નિખિલ સવાણીએ આમ આદમી પાર્ટીના તમામ જવાબદારીઓ અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. જો કે, ક્યા કારણે રાજીનામું આપ્યું તે અંગે કોઈ માહિતી સામે આવી નથી. નિખિલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હું આમ આદમી પાર્ટીની તમામ જવાબદારીઓ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. આમ અચાનક યુવા નેતાએ રાજીનામું આપી દેતા ગુજરાતની રાજનીતિમાં ફરી એક ગરમાવો જોવા મળે તો નવાઈ નહીં. હાલ અલગ અલગ અટકળો વહેતી થઈ છે. પરંતુ વધુ એક પાટીદાર નેતાના રાજીનામાથી આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તમને જણાવીએ કે નિખિલ સવાણીએ પાટીદાર અનામત આંદોલન વખતે સક્રિય ભુમિકા ભજવી હતી. હાર્દિક પટેલ અને નિખિલ સવાણી જુના મિત્રો છે. નિખિલ સવાણી કોંગ્રેસમાં જોડાયા હતા અને તેમને યૂથ કોંગ્રસના ઉપપ્રમુખ બનાવવમાં આવ્યા હતા. જો કે, 8 જુલાઈ 2021ના રોજ પાર્ટીમાંથી નીકળ્યા હતા.