મિઝોરમના ચંફઈ જિલ્લામાં ત્રણ અલગ-અલગ ઓપરેશનમાં મ્યાનમારના પાંચ નાગરિકો પાસેથી 18 કરોડ રૂપિયાથી વધુનું હેરોઈન અને 1.21 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. તમામની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.
તેમને કહ્યું કે ચોક્કસ માહિતીના આધારે, આસામ રાઇફલ્સ અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમોએ શુક્રવારે મિઝોરમ-મ્યાનમાર સરહદ પર જોટે અને જોખાવથાર ગામમાં એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં 2.61 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.
આસામ રાઈફલ્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 18.30 કરોડ રૂપિયા છે. આ સાથે તેમની પાસેથી 500, 200, 100 અને 50 રૂપિયાની બિનહિસાબી રોકડ નોટો જપ્ત કરવામાં આવી હતી.
આસામ રાઈફલ્સના એક અધિકારીએ કહ્યું, “સંયુક્ત ઓપરેશનમાં પાંચ મ્યાનમાર નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.” તેમણે કહ્યું કે આરોપી અને જપ્ત કરાયેલા ડ્રગ્સને આગળની કાર્યવાહી માટે ચંફઈ પોલીસને સોંપવામાં આવ્યા છે.
40 સભ્યોની મિઝોરમ વિધાનસભા માટે મંગળવારે મતદાન થયાના ત્રણ દિવસ બાદ આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. વિધાનસભા ચૂંટણીની મતગણતરી 3 ડિસેમ્બરના રોજ થશે.