ચાંદખેડામાં રહેતી મહિલા અને પ્રોફેસરની પત્નીને અજાણ્યા ગઠિયાઓએ તમે મુંબઇથી જે પાર્સલ મોકલાવ્યું છે, તેમાં એમડી ડ્રગ્સ અને એક્સપાયર પાસપોર્ટ છે કહીને ડરાવી હતી અને પોલીસ હોવાની ઓળખ આપી મની લોન્ડરીંગનો કેસ થયો હોવાનું જણાવ્યું હતું. તે પછી મદદ કરવાના બહાને બેન્કના ડોક્યુમેન્ટ મંગાવી કુલ રૂ. 18.07 લાખ પડાવી લીધા હતા. તેમજ મહિલાના નામે બારોબાર બેન્કમાંથી રૂ. 19.52 લાખની પર્સનલ લોન પણ લઇ લીધી હતી. આ અંગે મહિલાએ અજાણ્યા ગઠિયાઓ સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ચાંદખેડામાં રહેતા શ્રીયંકા પ્રજાપતિ ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે નોકરી કરે છે અને તેમના પતિ પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ગત 16 નવેમ્બરે તેમના મોબાઇલ નંબર પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. જેમાં તેમને જણાવાયું હતું કે, તેમણે એક પાર્સલ મુંબઇથી ઇરાન મોકલાવ્યુ છે, તેમાં એમડી ડ્રગ્સ અને એક્સપાયર થયેલા પાચ પાસપોર્ટ છે. જ્યારે કે, શ્રીયંકાબેને કોઇ પાર્સલ મોકલાવ્યું ન હતું. તે પછી ફોન કરનારા શખ્સે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કોલ ટ્રાન્સફ્ર કરવાનું કહીને એક મહિલા સાથે વાત કરાવી હતી. એ મહિલાએ પોતે પોલીસ ઇન્સ્પેકટર હોવાનું જણાવી ઓનલાઇન એપ્લીકેશન મારફ્તે વાત કરવા કહ્યું હતું. જેથી શ્રીયંકાબેને એપ્લીકેશનથી વાત કરતા તેમને જણાવાયું હતું કે, તેમના બે બેન્ક એકાઉન્ટ છે અને તેમાં મનીલોન્ડરીંગનો 8 કરોડનો કેસ થયો છે અને આ કેસમાં તેમની ઇન્વોલમેન્ટ હોવાનું જણાવાયું હતું. જેથી શ્રીયંકાબેન ગભરાઇ ગયા હતા. બાદમાં મદદ કરવાના બહાને ગઠિયાઓએ ડેપ્યુટી કમિશનરની ખોટી ઓળખ આપીને પ્રોસેઝર ફેલોઅપ કરવાનું કહીને બેન્કના ખાતા નંબરો અને ડોક્યુમેન્ટ માંગીને બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ. 18.07 લાખ પડાવી લીધા હતા. બાદમાં મહિલાના નામે બેન્કમાંથી બારોબાર રૂ. 19.52 લાખની પર્સનલ લોન પણ લઇ લીધી હતી. આમ કુલ રૂ. 37.59 લાખ પડાવ્યા હતા. જે બાદ મહિલાએ એકાઉન્ટ ચેક કરતા તેમના નામે લોન લીધી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે શ્રીયંકાબેને અજાણ્યા ગઠિયા સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.