ગાંધીનગર અડાલજ હાઇવે રોડ મહારાજા હોટલ નજીક ઉભેલ પીકઅપ ડાલા સાથે ગેસના બાટલા ભરેલ ટેમ્પો અથડાતા ચાલકનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં દિવાળીની શરૂઆતથી જ માર્ગ અકસ્માતમાં અપમૃત્યુનાં બનાવોમાં ઉછાળો આવ્યો છે. આજે પણ અડાલજ હાઇવે રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર અનાજ ભરેલ બોલેરો પીકઅપ ડાલાની એક્સલ તૂટી જતાં ચાલકે ડાલૂ અડાલજ હાઇવે મહારાજા હોટલ નજીક રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું.
એ દરમ્યાન રાકેશ છનારામ બીશનોઈ(ઉ. 32,રહે. ગોતા) ગેસના બાટલા ટેમ્પામાં લઈને ઝૂંડાલ તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેણે પોતાનો ટેમ્પો અડાલજ હાઇવે રોડ ઉપર બેફિકરાઈથી પૂરપાટ ઝડપે હંકારીને પીકઅપ ડાલા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત થતાં રાકેશનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બીજી તરફ અકસ્માતની જાણ થતાં અડાલજ પોલીસ પણ તાબડતોબ સ્થળ ઉપર દોડી ગઈ હતી. અને જરૂરી મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.