જો આપણા સપનાને પૂરા કરવા માટે દિલથી મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. એક સમયે નોકરી કરી રહેલા સંજીવ બિખચંદાનીએ પોતાની મહેનતથી સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શી છે. એક સમયે નોકરી કરતા સંજીવ બિખચંદાની કંઈક મોટું કરવા માંગતા હતા. જીવનમાં કંઈક મોટું કરવાનો ઈરાદો તેમને વારંવાર ઉશ્કેરી રહ્યો હતો. એવામાં તેઓએ નોકરી છોડી દીધી અને બિઝનેસ શરૂ કર્યો.
પરંતુ શરૂઆત સરળ નહતી. સંજીવ બિખચંદાનીએ તેમના સંબંધીઓ અને મિત્રો પાસેથી ઘણી વખત સારી-ખરાબ વાતો સાંભળવા મળી, પરંતુ તેમણે ક્યારેય આ વાતોને તેમના કામ પર હાવી ન થવા દીધી. પત્ની સુરભીએ તેમને પૂરો સાથ આપ્યો અને થોડા વર્ષોની મહેનતના દમ પર આજે તેમણે 50 હજાર કરોડ રૂપિયાની કંપની ઊભી કરી દીધી.
ઘણા લોકોએ સંજીવ બિખચંદાનીનું નામ સાંભળ્યું નહીં હોય, પરંતુ તેઓ જે કામ કરે છે તેનાથી સમગ્ર દેશ જ નહીં પરંતુ દુનિયા વાકેફ છે. સંજીવ બિખચંદાની Naukri.com અને Jeevansathi.com વેબસાઈટ્સને ચલાવતી કંપની Info Edgeના માલિક છે.
IIM અમદાવાદમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સંજીવ બિખચંદાનીએ એક જાણીતી કંપનીમાં નોકરી શરૂ કરી. તેમના પત્ની પણ સારી કંપનીમાં નોકરી કરતા હતા. તે વર્ષ 1990 હતું જ્યારે સંજીવ બિખચંદાનીએ પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન તેમની પત્નીએ પણ તેમને ખાતરી આપી હતી કે તેઓ દરેક પરિસ્થિતિમાં તેમની સાથે છે. સુરભી બિખચંદાનીના પગારથી ઘરનો ખર્ચ ચાલવા લાગ્યો અને સંજીવ બિખચંદાની તેમના સપનાને સાકાર કરવામાં લાગી ગયા. 1990માં જ સંજીવ બિખચંદાનીએ તેમના પિતાના ગેરેજમાં સેકન્ડ હેન્ડ કમ્પ્યુટર અને ઘરના જૂના ફર્નિચર સાથે ઇન્ફો એજ (ભારત)ની શરૂઆત કરી.
બિઝનેસની શરૂઆત કરી દીધી હતી, પરંતુ તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. સંબંધીઓ અને મિત્રો તેઓને નોકરી કરવા માટે સલાહ આપતા હતા. પરંતુ સંજીવ બિખચંદાનીએ તેઓની વાત પર ધ્યાન ન આપ્યું. તેઓએ સતત તેમની મહેનત ચાલું રાખી. સાત વર્ષની મહેનત પછી જ્યારે તેઓએ નોકરી પોર્ટલ Naukri.com શરૂ કર્યું ત્યારે તેમની કિસ્મત બદલાઈ ગઈ.
આજે સંજીવ બિખચંદાનીની કંપની ઈન્ફો એજ ઈન્ડિયાનું માર્કેટ કેપ 57,500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ફોર્બ્સ અનુસાર, સંજીવ બિકચંદાનીની કુલ સંપત્તિ 2.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 19,000 કરોડ રૂપિયાથી વધુ છે.