ઓર્થોપેડિક સર્જન્સ ડો. અતિત શર્મા, ડો. ચિરાગ પટેલ અને ડો. ધીમંત પટેલની બનેલી ખાસ તબીબી ટીમે આ નોંધપાત્ર સર્જરી કરીને આરોગ્ય ક્ષેત્રે નવા ધોરણો સ્થાપ્યા : રાજસ્થાનના 56 વર્ષની ઉમરના વેપારી મેઘરાજ બહેતીને આ સર્જરીથી 12 વર્ષ જૂના દર્દથી મુક્તિ મળી
અમદાવાદ
કેડી હોસ્પિટલે અમદાવાદ શહેરમાં સૌ પ્રથમવાર સફળ ટોટલ એન્કલ રિપ્લેસમેન્ટ સર્જરી કરીને એક નવતર સિધ્ધિ હાંસલ કરી છે. અમારા અત્યંત કુશળ ઓર્થોપેડિક સર્જન્સ ડો. અતિત શર્મા, ડો. ચિરાગ પટેલ અને ડો. ધીમંત પટેલની બનેલી ખાસ તબીબી ટીમે આ નોંધપાત્ર સર્જરી કરીને આરોગ્ય ક્ષેત્રે નવા ધોરણો સ્થાપ્યા છે.ભીલવાડા, રાજસ્થાનના 56 વર્ષની ઉમરના વેપારી મેઘરાજ બહેતીને આ સર્જરીથી 12 વર્ષ જૂના દર્દથી મુક્તિ મળી છે. છેલ્લા ઘણા વખતથી તેમના ડાબા પગમાં એન્કલ આર્થરાઈટીસને કારણે અત્યંત વેદનાનો સામનો કરવો પડી રહ્યો હતો. તેમના પગમાં સતત દર્દને કારણે પગ જકડાઈ જવા ઉપરાંત સોજા આવવાને કારણે તે મર્યાદિત હલનચલન કરી શકતા હતા તથા પગની ઘૂંટીમાં દર્દને કારણે ભારે તકલીફનો સામનો કરી રહ્યા હતા. તેઓ લાંબો સમય ઉભા રહી શકતા ન હતા કે નીચે વળી શકતા ન હોવાના કારણે તેમના જીવનની ગુણવત્તાને માઠી અસર થઈ હતી. તેઓ મનોરંજનની પ્રવૃત્તિઓ, સામાજીક સમારંભો અને કામ સાથે સંકળાયેલા કાર્યોમાં સામેલ થવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યા હતા.
પરંપરાગત રીતે આવી પરિસ્થિતિઓમાં એન્કલ ફ્યુઝન એ એક માત્ર ઉપલબ્ધ સારવાર છે, જેમાં પગની ઘૂંટીના કાયમી દર્દ નિવારણ માટે હાડકામાં કરન્ટ આપીને સારવાર કરવામાં આવે છે, પરંતુ આ પધ્ધતિમાં સાંધાઓનું હલનચલન મર્યાદિત બની જાય છે. આથી અલગ એન્કલ રિપ્લેસમેન્ટમાં નુકશાન થયેલા સાંધાના ઘટકોને કૃત્રિમ પાર્ટ વડે બદલવામાં આવે છે, જેના કારણે ફરીથી હલનચલન થઈ શકે છે.
આ શસ્ત્રક્રિયામાં દર્દી માટે ચોક્કસ પ્રકારનો ઈમપ્લાન્ટ યુકેથી આયાત કરવામાં આવ્યો હતો. સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. અતિત શર્મા આ સર્જરી અંગે આનંદ વ્યક્ત કરતાં જણાવે છે કે “ની-રિપ્લેસમેન્ટ સર્જરીની જેમ જ એન્કલ રિપ્લેસમેન્ટ એ પગની ઘૂંટીમાં અસહ્ય પીડા ધરાવતા દર્દી માટે આશિર્વાદરૂપ બની રહે છે અને દર્દી પીડાથી મુક્ત થઈને હલનચલન કરી શકે છે. સર્જરીના બે મહિના પછી દર્દી ફરીથી સામાન્ય કામકાજ કરી શકે છે.”પગ અને એન્કલ સર્જરીના નિષ્ણાંત ડો. ધીમંત પટેલ વધુમાં જણાવે છે કે “ટોટલ એન્કલ રિપ્લેસમેન્ટ એ તમારી પગની ઘૂંટીના સંપૂર્ણ મેકઓવર સમાન છે, જેમાં ખ્યાલ રાખવામાં આવે છે કે પગનો દરેક હિસ્સો આસાનીથી કામ કરે અને હલનચલનમાં સુધારો થાય તથા બહેતર જીવનશૈલી પ્રાપ્ત કરી શકાય.”
ટોટલ એન્કલ રિપ્લેસમેન્ટ સર્જરી એ એક જટિલ પ્રક્રિયા છે, જેમાં ડોકટરો શીનબોનને તળિયાનો હિસ્સો તથા એન્કલબોનનો ટોચનો હિસ્સો બદલી નાંખે છે. આવી શસ્ત્રક્રિયાથી હલનચલનમાં સુધારો થાય છે અને પગની ઘૂંટીના દર્દમાં ઘટાડો થાય છે.કેડી હોસ્પિટલ તેની કામગીરીના વિસ્તારમાં અતિ આધુનિક આરોગ્ય પ્રાપ્ત થાય તે માટે સુસજ્જ છે અને ઉત્તમ સારવાર માટે અથાક પ્રયત્નો કરતી રહે છે. હોસ્પિટલની આધુનિક સર્જીકલ નિપુણતા અને યોગ્ય કાળજીને કારણે દર્દીની પગની ઘૂંટીના દર્દમાં રાહત થવાની સાથે સાથે તેનું હલનચલન પણ સુધર્યું છે, જે ઉત્તમ સારવાર માટેની કટિબધ્ધતાનો પૂરાવો છે.કેડી હોસ્પિટલના એમડી ડો. અદિત દેસાઈએ આ શસ્ત્રક્રિયાની નોંધપાત્ર સિધ્ધિ અંગે પ્રશંસા કરતાં જણાવ્યું છે કે “જે ટેકનિકલ ચોકસાઈથી આ શસ્ત્રક્રિયા કરીને ટોટલ એન્કલ રિપ્લેસમેન્ટ સર્જરી કરવામાં આવી છે તેનાથી મને અત્યંત અચરજ થયું છે. અમારા ડોક્ટરોની ટીમે અપવાદરૂપ કૌશલ્ય દાખવીને આ જટિલ શસ્ત્રક્રિયા કરી છે, જેઓર્થોપેડિક ક્ષેત્રે થયેલી પ્રગતિ અને સારવાર માટેની કટિબધ્ધતા દર્શાવે છે. આ સિધ્ધિનેકારણે ગંભીર એન્કલ આર્થરાઈટીસનો ભોગ બનેલા દર્દીઓમાં નવી આશા ઉભી થઈ છે.”