“હું ગવર્નર પછી છું, પહેલાં ખેડૂત છું.” રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, “મેં રાસાયણિક ખેતી પણ કરી છે. ત્રણ વર્ષ ઓર્ગેનિક ખેતી કરી છે. બંને પ્રકારની ખેતીના દુષ્પરિણામો અને ગેરલાભની અનુભૂતિ કર્યા પછી હવે હું ૧૮૦ એકર જમીનમાં છેલ્લા ૮ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું.
આજે પણ રાસાયણિક ખેતી કરતા અન્ય ખેડૂતો કરતાં વધારે ઉત્પાદન મેળવી રહ્યો છું. હું ભ્રમિત નથી કરતો, હું તો માત્ર મારી આપવીતી કહી રહ્યો છું.
રાજભવનમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ મહિલા પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મહિલાઓને ગુરુદક્ષિણામાં પ્રાકૃતિક કૃષિ કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ સંયોજક મંડળ સાથે જોડાયેલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ આજના મહિલા પરિસંવાદ પછીના ભોજનની જવાબદારી સંભાળી હતી. આજે મહિલાઓને રાજભવનમાં ભોજનમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત સામગ્રીમાંથી તૈયાર કરાયેલું ભોજન પીરસવામાં આવ્યું હતું.