અર્થવ્યવસ્થાના મામલે ફરી એકવાર ભારતનું નામ ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા મૂજબ ભારતની અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને યુરોપમાં મંદીની આશંકા પૂર્ણ થઈ નથી ત્યા ચીનમાં મંદીની શરૂઆત થઈ છે. ચીનમાં રિયલ એસ્ટેટમાં મંદીની અસર બેન્કિંગ સેક્ટર પર પણ થઈ રહી છે. દુનિયાના 3 મોટા દેશ મંદીનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે.
વર્લ્ડ બેંક અને IMF જેવી સંસ્થાઓ મૂજબ, વર્ષ 2023માં પણ ભારત સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી છે. આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 6.3 ટકાની ઝડપે વૃદ્ધિ પામવાની આશા છે. મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ભારતની ગતિ સૌથી વધુ રહેવાની અપેક્ષા છે.
આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ભારતનું છે, જે 6.3 ટકા સાથે ટોપ પર છે. ત્યારબાદ બીજું નામ 6 ટકાના વૃદ્ધિ દર સાથે બાંગ્લાદેશનું છે. ત્રીજા સ્થાન પર દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયાનું છે. આ વર્ષે કોલંબિયાની અર્થવ્યવસ્થા 5.6 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી ધારણા છે. ફિલિપાઈન્સની અર્થવ્યવસ્થા 5.3 ટકાની ઝડપે વધી શકે છે.
આર્થિક મોરચે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ચીનની અર્થવ્યવસ્થામાં આ વર્ષે 5 ટકાના દરે વૃદ્ધિ થવાની ધારણા છે. ઈન્ડોનેશિયા પણ આ જ ગતિએ આગળ વધી શકે છે. યુરોપના તુર્કીનો GDP ગ્રોથ રેટ આ વર્ષે 4 ટકા રહી શકે છે. UAE માં 3.4 ટકા, મેક્સિકોમાં 3.2 ટકા અને બ્રાઝિલનો 3.1 ટકા વૃદ્ધિ થઈ શકે છે.
દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતી અમેરિકાની ઈકોનોમી ચાલુ વર્ષે 2.1 ટકાની ઝડપે વૃદ્ધિ પામી શકે છે. યુક્રેન સાથેના યુદ્ધના કારણે રશિયા 2.2 ટકાની ઝડપે વિકસી શકે છે. જાપાનનો GDP ગ્રોથ 2 ટકા, કેનેડાનો 1.3 ટકા, ફ્રાંસનો 1 ટકા, સાઉદી અરેબિયાનો 0.8 ટકા, ઈટાલીનો 0.7 ટકા અને યુકેનો 0.5 ટકા રહેવાની ધારણા છે.