સુરતની સચિન GIDC રોડ નંબર 8 પર આવેલી કેમિકલ કંપનીમાં રાત્રિના 2 વાગ્યા આસપાસ પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. આગ લાગ્યા બાદ 24 જેટલા કામદારોને નાની મોટી દાઝવા-વાગવાની ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે હાલ 3ની હાલત ગંભીર માનવામાં આવે છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ ચિતરંજન યાદવ 80 ટકા જેટલો દાઝી ગયો છે. ત્યારે સમગ્ર ઘટના અંગે રાત્રિ પાળીમાં કામ કરતાં કામદારોએ કહ્યું કે, સૌ પ્રથમ ધડાકાનો અવાજ સંભળાતા જ દોડવા લાગ્યા હતાં.આગ લાગ્યાનું બાદમાં જાણવા મળ્યું અને અમારા 24 જેટલા કામદારો દાઝી ગયાની પણ ખબર પડી હતી.સાત કલાક બાદ આગ પર ફાયરબ્રિગેડ દ્વારા કાબુ મેળવી લેવાયો હતો.
આગની જ્વાળામાંથી બચી ગયેલા કામદારોએ પૈકી અર્જુન યાદવે કહ્યું કે, હું રોજની જેમ રાતપાળીમાં કામ કરી રહ્યો હતો. આ દરમિયાન પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો. કેમિકલ સ્ટોરેજ ટેન્ક તરફથી અવાજ આવતાં જ હું બહાર નીકળવા અન્ય કામદારોની સાથે દોડવા લાગ્યો હતો. પાછળ ફરીને એકવાર જોયું તો આગની ઊંચી ઊંચી જ્વાળાઓ ઉઠી રહી હતી. હું ઝડપથી બહાર આવી ગયો હતો. ત્યારબાદ મારા જીવમાં જીવ આવ્યો હતો. જો કે, આગ એટલી પ્રચંડ હતી કે, સખત ગરમી લાગી રહી હતી.
બહાર દોડીને આવ્યા બાદ થોડીવારમાં જ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો આવવા લાગ્યા હતાં. અમારા દાઝી ગયેલા સાથી કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જો કે, હું કેમિકલ સ્ટોરેજ ટેન્કથી ઘણો દૂર હોવાથી મને કંઈ જ થયું નહોતું. પરંતુ એ અવાજ હજુ પણ મારા કાનમાં ગુંજી રહ્યો છે.
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે કહ્યું કે, એથર ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ ફેક્ટરીમાં કેમિકલ બનાવવાનું કામ થાય છે. સ્ટોરેજ ટેન્કમાં લીકેજ હોવાના કારણે આગ લાગી છે. અંદાજે 24 જેટલા કામદારો દાઝી ગયા છે, તેમને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે અને હવે કૂલિંગની કામગીરી ચાલી રહી છે. કંપનીમાં ફાયરના સાધનો હતા પરંતુ ઉપયોગ બ્લાસ્ટના કારણે થઈ શક્યો ન હોય તેવું માનવામાં આવી રહ્યું છે.