ગાંધીનગરમાં વાહન ચોરીના ગુનાઓની વણઝાર વચ્ચે ઈકો કારના સાયલેન્સર ચોરતી ગેંગ તરખાટ મચાવી રહી છે. આ વખતે એસઆરપીનાં હેડ કોન્સ્ટેબલ તેમજ નાણાં વિભાગના સિનિયર ક્લાર્કની ઈકો ગાડીમાંથી સાયલેન્સરો ચોરીને તસ્કર ટોળકી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના સેકટર – 16, બ્લોક નંબર 1/2 છ ટાઈપમાં રહેતા પ્રહલાદભાઈ પુરણભાઈ વાડજીય સેક્ટર – 27 એસ.આર.પી ગુપ-12 ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત તા. 14 મી નવેમ્બરનાં રોજ સાંજના સમયે તેમણે પોતાના રહેણાંક મકાન ની પાસેની ખુલ્લી જગ્યામાં ઈકો કાર પાર્ક કરી હતી.
જે બાદ ગઈકાલે સાંજે હેડ કોન્સ્ટેબલ પ્રહલાદભાઈએ ઈકો ગાડી ચાલુ કરી હતી. ત્યારે ગાડીનો ઘોંઘાટ ભર્યો અવાજ આવી રહ્યો હતો. આથી હેડ કોન્સ્ટેબલે ઇકો ગાડી ગેરેજમાં ચેક કરાવતા ઇકો ગાડીનુ નવુ સાઇલન્સર ચોરી કરી જુનુ સાઇલન્સર લગાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેની ઘણી શોધખોળ કરવા નહીં મળતા હેડ કોન્સ્ટેબલે આખરે 40 હજારની કિંમતના સાઇલન્સર ચોરીનો ગુનો સેકટર – 21 પોલીસ મથકમાં દાખલ કરાવ્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં સેકટર – 13/બી પ્લોટ નંબર – 909/1 માં રહેતાં અંકિતકુમાર જયેશકુમાર પરમાર સચિવાલય ખાતે નાણા વિભાગમાં સિનિયર ક્લાર્કની પોસ્ટ ઉપર ફરજ બજાવે છે. જેમના નાના વખતસિંહ હમીરસિંહ પરમારનું વર્ષ – 2021 માં અવસાન થયું હતું. જેમની માલિકીની ઈકો કાર અંકિતકુમાર પાસે છે. જો કે વખતસિંહનાં અવસાન પછી ઈકો કાર કોઈ ફેરવતું નથી.
આથી કારને અંકિતકુમારે પોતાના ઘરની સામે ખુલ્લી જગ્યામાં ગાડી પાર્ક કરી મુકી રાખી છે. ગત તા. 21મી નવેંબરનાં રોજ અંકિત કુમારના પિતા જયેશભાઈએ ચાલુ કરતા ફાયરીંગનો અવાજ અલગ આવતો હતો. જેથી તેમણે નીચે ઉતરી ગાડીનું સાયલેન્સર જોતા ગાડીનું ઓરીજનલ સાયલેન્સરની જગ્યાએ બીજુ કોઇ સાયલેન્સર લાગેલું હોવાનું માલુમ પડયું હતું. આથી આસપાસના વિસ્તારમાં સાયલેન્સરની શોધખોળ આદરી હતી. પરંતુ સાયલેન્સરનો પત્તો લાગ્યો ન હતો.
જો કે અત્રેની વસાહતમાં પ્લોટ નંબર – 894/1 માં રહેતા જીતેન્દ્રકુમાર હીરાભાઇ પટેલના ઘરની સામે પાર્ક કરેલ તેમની મારુતિ ઇકો ગાડીનું પણ સાયલેન્સર ચોરાઈ ગયાનું જાણવા મળ્યું હતું. જો કે ગીરનાર પરીક્રમા કરવા જવાનું હોવાથી પરત આવીને અંકિતકુમારે ગાડીના સાયલેન્સર ચોરીની ફરિયાદ સેકટર – 7 પોલીસ મથકમાં નોંધાવી છે.