ગાંધીનગર લોકસભા ભાજપા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે આજરોજ ગુજરાત સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન અને પૂજન અર્ચન કરી ગુજરાત તેમજ સમગ્ર દેશવાસીઓના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. બાદમાં તેઓએ જૂનાગઢ ખાતે કુશળ રાજનીતિજ્ઞ અને ધારાશાસ્ત્રી સ્વ. દિવ્યકાંત નાણાવટીજીના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે આયોજિત સ્મૃતિ પર્વ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ‘દિવ્યકાંત નાણાવટી ભૂલાય તે પહેલા‘ સ્મૃતિ ગ્રંથનું લોકાર્પણ કર્યું હતું.
આ તકે સંબોધન કરતાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, શ્રી દિવ્યકાંત નાણાવટી અમારી અગાઉની પેઢીના રાજનીતિજ્ઞ હતાં, જેથી તેમની સાથે મારો વિશેષ વ્યક્તિગત અનુભવ નથી પરંતુ જે સમાજ માટે જીવતા હોય, બીજા માટે કાંઈ કરી છૂટવાની ભાવના ધરાવતા હોય તેવા વ્યક્તિએ કરેલા કાર્યો અને અનુભવો ક્યારેય કાલબાહ્ય નથી રહેતા. મરણ અને સ્મરણ વચ્ચે અડધા સ નોજ તફાવત છે પરંતુ મરણ પછી પણ લોકોના સ્મરણમાં રહેવું હોય તો જીવનની દરેક પળને લોકો માટે જીવવી પડે છે. કરેલું કાર્ય એવો ટમટમતો દીવડો છે કે જેની વાટ અને તેલ હંમેશા કોઈક પુરતું જ રહે છે અને હંમેશા પ્રજવલિત રહે છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, રૂપાયતન સંસ્થાને અભિનંદન પાઠવું છું કે જેઓએ એવા સમયે આ સુંદર પુસ્તકનું પ્રકાશન કર્યું છે કે જ્યારે નવી પેઢીમાં રાજનીતિજ્ઞ કેવા હોય તે અંગે ચીલો ચીતરવાનો સમય છે. આ પુસ્તક જુનાગઢ અને ગુજરાતના સાર્વજનિક જીવનમાં કામ કરનારા વ્યક્તિઓ માટે નવી દીવાદાંડી સમાન સાબિત થશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. શ્રી દિવ્યકાંત નાણાવટીએ નગરપાલિકાના અધ્યક્ષ તરીકે તે સમયની વિષમ પરિસ્થિતિ વચ્ચે દાતારની જગ્યાના વિવાદને સુલઝાવવાનું કાર્ય, જૂનાગઢના સ્મશાનની જગ્યાનું અધિગ્રહણ કરીને ચિરસ્મરણીય બનાવવાનું કામ, વેલિંગ્ટન ડેમના બ્યુટીફિકેશન તેમજ શ્રી મોરારજી દેસાઈના હસ્તે શ્રી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવાનું કાર્ય સહિત આટલા વર્ષો પહેલા પાકા રોડ અને સ્ટ્રીટલાઇટનું કામ દૂરંદેશીતા સાથે તેમની અધ્યક્ષતામાં કર્યું છે. તેઓ સળંગ બે વખત ધારાસભ્ય બન્યા તેમજ રાજ્યના કાયદા અને ન્યાય વિભાગના મંત્રી તરીકે તેઓએ કેવળ જુનાગઢ જ નહીં પરંતુ ગુજરાત સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં પોતાનું યોગદાન આપ્યું છે.
શ્રી અમિતભાઈ શાહે કોંગ્રેસ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષે મને CBIનો કેસ કરી જેલમાં નાંખ્યો હતો ત્યારે 5 મિનિટ પહેલા હું જેલનો મંત્રી હતો અને 5 મિનિટ પછી કેદી હતો.આ પછી મારો આ કેસ નિરુપમભાઇ લડ્યા અને જીતવામાં મદદ કરી હતી. નિરૂપમભાઈએ કહ્યું, અમારા લોકોએ તમને ખોટી રીતે ફસાવ્યા’. એમનો આ એપ્રોચ પ્રોફેશનાલીઝમનું ઉત્તમ ઉદાહરણ છે.
શ્રી નરસિંહ મહેતાનું સ્મરણ કરતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે, તેઓએ તેમનું આખું જીવન સાહિત્યને સમર્પિત કર્યું, તેમના જેવા ઉત્કૃષ્ટ સાહિત્યકાર મળવા અસંભવ છે. આપણા પ્રાચીન વેદો અને ઉપનિષદોના જ્ઞાનને સરળ ભાષામાં જનતા સમક્ષ મુકવાનું કામ શ્રી નરસિંહ મહેતાએ કર્યું. તે જમાનામાં નાગરોમાં જન્મ લીધા પછી અસ્પૃશ્યતાની વિરુદ્ધમાં સામાજિક સમરસતા માટે આ રીતે જો કોઈ કામ કરી શકે તે નરસૈયો જ કરી શકે. પત્નીના મૃત્યુના દિવસે ‘ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ’નો ઉદ્ગાર નરસિંહ મહેતા જ કરી શકે.
શ્રી શાહે કહ્યું કે, આજે સૌરાષ્ટ્ર અને ગુજરાતની જૂની પેઢીની કળાને આગળની પેઢી સુધી પહોંચાડનાર શ્રી ભીખુદાન ગઢવીજીને સાંભળવાનો લ્હાવો મેળવી આનંદની લાગણી અનુભવું છું. તેઓ કાગબાપુ અને આજની સાહિત્યકારોની પેઢી વચ્ચેનો સેતુ છે. આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે પ્રથમ જ યાદીમાં શ્રી ભીખુદાન ગઢવીને તેમના અમૂલ્ય યોગદાન બદલ પદ્મશ્રી થી પુરસ્કૃત કરવાનું કાર્ય કર્યું. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં ગુજરાતથી ઓરિસ્સા તેમજ કાશ્મીર થી કન્યાકુમારી સુધી સાચી યોગ્યતા ધરાવતા વ્યક્તિઓ કે જે છેવાડાના વિસ્તારના હોય તેઓને પણ પદ્મશ્રી સહિતના રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવાનું કાર્ય થયું છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે, રૂપાયતન સંસ્થા પણ 75 વર્ષથી સમાજ જીવનના અનેક આયામોમાં સુંદર કાર્ય કરતી આવી છે ગુજરાતની શ્રેષ્ઠ આશ્રમશાળા, દિલ્હી બાળભવન સહિતના અનેક કાર્યો સાથે તે જોડાયેલ છે. આજના આ સુંદર કાર્યક્રમનું આયોજન માટે અને આમંત્રિત કરવા બદલ શ્રી શાહે આભાર સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નાથવાણી, રૂપાયતન સંસ્થાના ઉપાધ્યક્ષ ડૉ. કમલેશભાઈ જોશીપૂરા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી, શ્રી નિરુપમ નાણાવટી સહિતના અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.