આયુર્વેદિક માદક સિરપ મામલે રાજ્યભરમાં પોલીસ કાર્યવાહી કરી રહી છે. ખેડામાં થયેલા સિરપકાંડ બાદ રાજ્યભરમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 3271 દરોડા કર્યા છે.
દરોડા દરમિયાન કુલ 67 આરોપીઓ સામે 12 FIR દાખલ કરાઇ છે. કુલ 92 જાણવાજોગ ફરિયાદો પોલીસે દાખલ કરી છે. રાજ્યમાં કુલ 22 આરોપીઓની અટકાયત પણ પોલીસે કરી છે.391 ફાર્માસિસ્ટ, વેપારીઓ સાથે પોલીસે બેઠક કરીને સમજાવટનો કર્યો પ્રયાસ છે.
ખેડા જિલ્લાના બગડુ તથા બિલોદરા ગામ ખાતે પાંચ લોકોના આયુર્વેદિક સીરપના સેવનથી મૃત્યુ થયા છે, જે અનુસંધાને રાજ્યના તમામ શહેર-જીલ્લાઓમાં આવી કોઇ અન્ય અનિચ્છનિય ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે આયુર્વેદિક સિરપ વેચતા હોય તેવા આયુર્વેદિક-ફાર્માસિસ્ટ વેપારીઓ સાથે બેઠક કરી આવી માદક દવાઓ તથા સિરપ ન વેચે તે અંગે જરૂરી સમજ કરવા તેમજ કાર્યવાહી કરવા વિકાસ સહાય IPS (DGP & HoPF ) તથા ડૉ. શમશેર સિંઘ IPS DGP (Law & Order) દ્વારા સ્પે.ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 3271 રેડ કરવામાં આવી છે. જે દરમ્યાન ગેરકાયદેસર આયુર્વેદિક સિરપ વેચતા હોય તેવા કુલ-67 આરોપીઓ વિરૂધ્ધ કુલ-12 FIR તેમજ કુલ-92 જાણવાજોગ દાખલ કરવામાં આવી છે. તેમજ કુલ 22 આરોપીઓ અટક કરવામાં આવી છે. તેમજ કુલ 391 આયુર્વેદિક-ફાર્માસિસ્ટ વેપારીઓ સાથે બેઠક કરી આવી માદક દવાઓ તથા સિરપ ન વેચે તે અંગે જરૂરી સમજ કરવામાં આવી છે.
આયુર્વેદિક પીણાની આડમાં નશાયુક્ત પીણાના વેચાણ અંગે વડોદરા પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી હતી. વડોદરામાં 900 દુકાનો, પાર્લરો, દવાની દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આયુર્વેદિક દવાની આડમાં નશાયુક્ત પીણાનો વેપાર કરતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનો આદેશ છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ, પી.સી.બી, એસ.ઓ.જી તથા શહર પોલીસમાં તમામ પોલીસ સ્ટેશનની અલગ-અલગ 45 ટીમો દ્વારા સમગ્ર શહેરમાં ચેકીંગ હાથ ધરાયું હતું. ઝોન 1માં 316, ઝોન 2માં 72, ઝોન 3માં 149, અને ઝોન 4માં 142 દુકાનો મળી કુલ 679 દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.
જામનગરમાં સતત બીજા દિવસે આયુર્વેદિક કેફી હર્બલ બોટલો ઝડપાઈ છે. જામનગર અને સિક્કામાંથી આયુર્વેદીક સિરપની બોટલો ઝડપાઇ છે. પાન અને કોલ્ડ્રીંકસની દુકાનમાં વેચાતા હર્બલ કેફી પીણાના જથ્થાને પોલીસે ઝડપી પાડ્યો હતો. જામનગર તાલુકાના સિક્કા ગામે પંચવટી સોસાયટીમાં આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાનમાં સ્ટોલ હેલ આયુર્વેદીક બ્રાન્ડની 123 બોટલ મળી આવી હતી. જામનગરના અંબર સિનેમા સામે શંકર વિજય પાનની દુકાનમાંથી હેરબી ગોલ્ડ અશ્વ નામની 47 બોટલ મળી આવી હતી. પોલીસે હાલ આ બંને દુકાનમાંથી મળેલ આયુર્વેદીક હર્બલ કેફી બોટલોને પરીક્ષણ અર્થે લેબમાં મોકલી છે.