અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર મોર્ફ ફોટો પોસ્ટ કરી બીભત્સ લખાણો લખીને બદનામ કરવાની અનેક ફરિયાદો સાયબર ક્રાઇમ પોલીસ સુધી પહોંચી રહી છે. શહેરમાં એક જ દિવસમાં થલતેજ, નારોલ, ગોતા અને માધવપુરા સહિત ઓઢવમાં ફેક સોશિયલ મીડિયા આઇડી બનાવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી. ત્યારે હવે વધુ એક ફરિયાદ સાયબર ક્રાઈમને મળી છે.
અજાણ્યા આઈડીથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી મણિનગરની એક યુવતીનું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવીને તેમાં મોર્ફ કરેલા ફોટો અને વીડિયો અપલોડ કરી તેને અને તેના મિત્રોને ગંદી ગાળો આપી હતી. તેમજ કોલગર્લ તરીકે દર્શાવી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મણિનગરમાં રહેતી એક યુવતી BBAના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત ફેબ્રુઆરી 2023માં તે કોલેજમાં તેના મિત્રો સાથે હતી તે દરમિયાન તેન અને તેના મિત્રોને ઇન્સ્ટા આઇડી પર કોઈ અજાણ્યા આઈડીથી ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી.
જેમાં તેની મિત્રના ફોટો મુકેલો હતો. તેમજ ફરિયાદી યુવતીનો ફોટો આઇડીની હાઈલાઈટ સ્ટોરીમાં મુકેલો હતો. જેમાં તેને કોલ ગર્લ તરીકે દર્શાવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ યુવતીએ આ અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇડી બાબતે ચેક કરતા તેના બાયોમાં તેનો મોબાઈલ નંબર લખેલો હતો. તેમજ તેના તથા તેના મિત્રોના ફોટા અપલોડ કરેલા હતા. તેમજ કોલેજના દરેક મિત્રોને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલેલી હતી. જેથી ફરિયાદીએ આ ઇન્સ્ટા આઇડીને બ્લોક કર્યું હતું. તેમજ તેના મિત્રોને પણ આઇડી બ્લોક કરી દેવા જણાવ્યું હતું.
ત્યારબાદ ગત મે 2023માં ફરીથી કોઈ અજાણ્યા શખસે ઇન્સ્ટા આઇડી બનાવી હતી. તેમાં પણ ફરિયાદી યુવતી તેમજ તેના મિત્રના ફોટો અપલોડ કર્યા હતા. આ અજાણ્યા આઇડીના ઉપયોગકર્તા જોડે આઇડી ડિલિટ કરવા ચેટ ઉપર જણાવ્યું હતું. ત્યારે તેણે ચેટમાં ફરિયાદીને ગંદી ગાળો તેમજ બીભત્સ ભાષામાં લખાણ લખી મોકલી આપ્યું હતું. તેમજ અગાઉ જે આઇડીથી મને હેરાનગતી કરતા હતા તે ઇન્સ્ટાગ્રામ આઇડી couples_togatherનું નામ લખી અમને મોકલી આપ્યું હતું. જેથી અમને શંકા ગઈ કે અગાઉ વ્યક્તિએ યુવતીને હેરાન કરવા આઇડી બનાવ્યું હતું. તેણે જ બીજુ આઇડી બનાવ્યું હોવાનું જણાયું હતું.
જેથી આ અજાણ્યા શખસે જુદા જુદા આઇડી બનાવી યુવતીને બદનામ કરવાના ઇરાદે તેના ફોટા પોસ્ટ કરી બીભત્સ લખાણો લખી હેરાન કરીને હું કોલ ગર્લ છું તેવા પ્રકારના લખાણ લખી યુવતીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનું કામ કર્યું છે. જેથી યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.