ગુજરાતમાં ફરી એક વખત આતંકવાદી સંગઠનના સ્લીપર સેલ એક્ટિવ હોવાના ઈનપુટ એજન્સી અને સેન્ટ્રલ આઇડી દ્વારા ગુજરાતને મળ્યા હતા. ગુજરાત પોલીસ દ્વારા આ સંદર્ભે સતત સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. પોરબંદર, સુરત બાદ ગોધરામાં છ શકમંદ આ સંગઠન સાથે સક્રિય હોય એવી શંકાના આધારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા તેમની અટકાયત કરીને અમદાવાદની કચેરી ખાતે લાવવામાં આવી હતી, જ્યાં તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
ગુજરાત ATSએ ગોધરાથી પકડેલા 6 શકમંદ લોકોની પૂછપરછમાં નવો ઘટસ્ફોટ થયો છે, જેમાં પાંચ શકમંદ પાકિસ્તાન ગયા હોવાની વિગતો સામે આવી છે, જેમાં એક મહિલા પણ હતી. આ મહિલા સૌથી વધુ વખત પાકિસ્તાન ગઈ હતી અને તેણે કેટલાક લોકો સાથે નાણાકીય વ્યવહાર પણ કર્યો હોવાની વિગતો હાલ તપાસ એજન્સીને મળી છે. પહેલાં એજન્સીએ ISKP સંગઠન સાથે કનેક્શન હોવાના આધારે તપાસ શરૂ કરી હતી, પરંતુ હાલ તે સંગઠનના કોઈ તાર મળતા નથી અને બીજી તરફ અન્ય કોઈ સંગઠન એક્ટિવ હોય એવી શંકાના આધારે પણ એજન્સીના અધિકારી સેન્ટ્રલ એજન્સી સાથે વાતચીત કરી રહ્યા છે તેમજ નાણાકીય વ્યવહાર અને પાકિસ્તાનના કનેક્શન અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.