તમારા ગામમાં મોદીની ગેરંટીની ગાડી આવી ગઈ છે:આ યાત્રા ભારતને વર્ષ 2047 સુધીમાં વિકસતી બનાવવાની યાત્રા છે: વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો તેમજ કીટનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા
અમદાવાદ
દેત્રોજ તાલુકાના સદાતપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભારતના મહિલા અને બાળવિકાસ રાજ્યમંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં વિવિધ યોજનાઓના લાભ પ્રાપ્ત થયેલ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા ગેસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, વ્હાલી દિકરી યોજના જેવી 17 વિવિધ યોજનાઓના પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કેન્દ્રીય મંત્રીશ્રી મહેન્દ્ર મુંજપરાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા વિવિધ યોજનાઓ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું. અંદાજિત ૫૫૦ જેટલા લોકો આ કાર્યક્રમોમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાએ ગામનાં નાગરિકો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તમારા ગામમાં મોદીની ગેરંટીની ગાડી હવે આવી ગઈ છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું સપનું છે કે વર્ષ 2047 સુધીમાં ભારત દેશ સંપૂર્ણ રીતે વિકસિત દેશ થઈ જવું જોઈએ અને વિશ્વના વિકસીત દેશોની હરોળમાં ભારતનું નામ હોવું જોઈએ. આ યાત્રા ભારત દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવાની યાત્રા છે. મોદીએ છેવાડાના લોકોની ચિંતા કરીને આ યાત્રાની શરૂઆત કરાવી છે. અત્યાર સુધી નાગરિકો વિવિધ યોજનાઓનો લાભ મેળવવા વિવિધ વિભાગની કચેરીએ લાઇનોમાં ઉભા રહીને અધિકારીઓને મળીને યોજનાઓના લાભ મેળવતા હતા. પરંતુ હવે આ તમામ પરિસ્થિતિનો સામનો ભારતમાં કોઈપણ નાગરિકોને ન કરવો પડે તેને ધ્યાનમાં રાખીને વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અધિકારીઓ પોતેજ વિવિધ યોજનાઓની માહિતી અને લાભ લઈને તમારા ગામડામાં તમારા આંગણે આવ્યા છે. જેથી આપ સૌએ સરકારની વિવિધ યોજનાની માહિતી મેળવવી જોઈએ અને લાભ લેવો જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી આરોગ્ય યોજનાની વાત કરતા જણાવ્યું હતું કે, ભારત સરકારની પ્રધાનમંત્રી આરોગ્ય યોજના ભારતવાસીઓને જે લાભ આપે છે, તેવી યોજના વિશ્વના કોઈપણ અન્ય દેશમાં આરોગ્યને લગતી યોજના નથી. જેથી હું દેશવાસીઓને આહવાન કરું છું કે સૌએ આ યોજનાનો લાભ લેવો જોઈએ. ખેડૂતોની વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. આજે સરકાર પ્રાકૃતિક ખેતી કરવા માટે વિવિધ યોજનાઓ વિકસાવી રહી છે. ઘણા લાભ પણ આપી રહી છે અને તમામ લાભ તમને તમારા આંગણે પ્રાપ્ત થાય એ માટેજ આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે જેથી હું ખેડૂતોને વિશેષ આહવાન કરું છું કે તેઓ આ યોજનાઓની જાણકારી મેળવે અને પ્રાકૃતિક ખેતી તરફ આગેકુચ કરે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં આપ સૌ ભાગીદાર બનો અને યોજનાના લાભ મેળવો સાથેજ અન્ય લોકોને પણ યોજનાના લાભ મળી રહે તે માટે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પોતાની ભાગીદારી નોંધાવો તેમ તેમણે જણાવ્યું હતું.અંતે મંત્રીશ્રીએ વિકસિત ભારત સંકલ્પયાત્રા અંતર્ગત ઉભા કરેલ વિવિધ સ્ટોલની મુલાકાત કરીને માહિતી મેળવી આવી હતી. કાર્યક્રમના અંતે સૌ ઉપસ્થિત નાગરિકોએ આ પ્રસંગે યોજવામાં આવેલા આરોગ્ય ચકાસણી કેમ્પનો લાભ મેળવ્યો હતો. જે અંતર્ગત નાગરિકોની ટી. બી., ડાયાબિટીસ, હાયપરટેન્સન જેવા રોગો માટે આરોગ્ય ચકાસણી અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું સાથેજ વ્હાલી દીકરી યોજના, સખી મંડળને લગતી યોજનાઓ, ઉજજ્વલા યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જેવી યોજનાઓ વિશે લોકોએ માહિતી મેળવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ, અમદાવાદના કલેકટર શ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, પ્રાંત અધિકારી શ્રી કંચન મેડમ, સાથેજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.