અમદાવાદની 4 ખાનગી સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી છે. હાટકેશ્વરની એક કેમ્પસમાં ચાલતી 2 સ્કૂલ તેમજ ગેરતપુરની 2 સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. બંને પ્રાથમિક સ્કૂલ છે જે વર્ષ 2024થી બંધ કરવામાં આવશે. ખોટું એફિડેવિટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ન હોવાથી સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવશે. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી છે.
અમદાવાદના હાટકેશ્વરમાં આવેલી નૂતન હિન્દી સ્કૂલ અને નૂતન ગુજરાતી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. સ્કુલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ન હોવા છતાં સ્કૂલ ચલાવવામાં આવી રહી હતી. તેમજ બિલ્ડીંગ સલામત હોવાના સર્ટિફિકેટ અને રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યા નહોતા. તેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ના થાય તે માટે 10 વર્ષથી જૂની સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. આગામી 2024થી બંને સ્કૂલ બંધ કરવામાં આવશે.
ગેરતપુરમાં આવેલી શ્રદ્ધા સ્કૂલ અને ભગવતી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. આ સ્કૂલ ચાલુ કરવા માટે 2022માં માન્યતા મેળવવામાં આવી હતી. સ્કૂલ શરૂ કરવા ખોટું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જે મુજબ જેટલા વર્ગખંડ સોગંદનામમાં રજૂ કરવામાં આવ્યા છે. તેનાથી ઓછા વર્ગખંડમાં ભણાવવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલમાં સ્થળ તપાસ કરવામાં આવી, ત્યારે વિગતો સામે આવી હતી. જેથી સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. ગત વર્ષે જ સ્કૂલે માન્યતા મેળવી હતી અને હવે 2024માં સ્કૂલ બંધ કરવામાં આવશે.
મદદનીશ જિલ્લા શિક્ષણાધિકારી ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 4 સ્કૂલ પૈકી બે-બે સ્કૂલ અલગ અલગ ટ્રસ્ટના નામે એક જ બિલ્ડિંગમાં ચાલી રહી છે. સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રકચર યોગ્ય ન હોવાના કારણે તેમજ સ્કૂલ ખોટી સોગંદનામું કર્યું તે માટે સ્કૂલની માન્યતા વિદ્યાર્થીઓના હિતમાં રદ કરવામાં આવી છે.