ગુજરાત હાઇકોર્ટમાં રખડતાં ઢોર, ટ્રાફિક સમસ્યા અને ખરાબ રસ્તાને લઈને થયેલી અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે નડિયાદમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. પોલિસી અમલીકરણના નામે નડિયાદમાં પશુઓ ઉપર ક્રૂરતા આચરવામાં આવે છે. આ હરકત ઓથોરિટીની નહીં, પણ અન્ય લોકોની છે. આ સંદર્ભે નડિયાદની એક સમાચાર સંસ્થાનો અહેવાલ કોર્ટ સમક્ષ મુકાયો હતો. અહેવાલ જોયા બાદ કોર્ટે કહ્યું હતું કે માણસોની ભલાઈ ખાતર પશુઓ પર ક્રૂરતા આચરી શકાય નહીં. તો માલધારી સમાજે પણ પશુઓ સાથે થયેલી ક્રૂરતાના ફોટા કોર્ટ સમક્ષ મૂક્યા હતા. કોર્ટે તમામ રિપોર્ટ્સ જોઈને સરકાર અને AMCને આદેશ કર્યો છે કે રાજ્યમાં કેટલા પશુવાડા છે, એની કેટલી ક્ષમતા છે, ત્યાં પશુઓને કેવી રીતે ટ્રીટમેન્ટ મળે છે, મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે કે કેમ વગેરે વિગતો આપો. આ દરમિયાન પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રૂઅલ્ટી એક્ટ અંતર્ગત આરોપીઓ સામે પગલાં લેવા કોર્ટે જણાવ્યું હતું.
ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ સરકાર સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે અનેકવાર AMC અને રાજ્ય સરકારને રખડતાં ઢોર, ટ્રાફિક અને ખરાબ રસ્તા માટે નિર્દેશો બહાર પાડ્યા હતા, પરંતુ બંને ઓથોરિટી દ્વારા સતત કોર્ટમાં કાગળિયા ફાઈલ કરાયા છે, કોઈ પગલાં ગ્રાઉન્ડ પર લેવાયાં નથી. હાઇકોર્ટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી પાસે એક અલગ રિપોર્ટ મગાવ્યો હતો, જે પરિસ્થિતિ છે એમ જ હોવાનું જણાવતો હતો.
જજ આશુતોષ શાસ્ત્રી અને હેમંત પ્રચ્છકની બેન્ચ સમક્ષ આ કેસ ચાલી રહ્યો છે, જેમાં કોર્ટે ઓથોરિટીની ઝાટકણી કાઢ્યા બાદ AMC અને રાજ્ય સરકારે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી રિપોર્ટ પર થયેલી કામગીરી અંગે એફિડેવિટ ફાઈલ કરી હતી. એમાં ઓથોરિટી દ્વારા કરાયેલાં કાર્યથી હાઈકોર્ટ સંતુષ્ટ જણાતી હતી. આ જ પ્રમાણે કામગીરી ચાલુ રાખવાની સૂચના આપી હતી તેમજ દિવાળી દરમિયાન થયેલી કામગીરીનો અહેવાલ કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતુ.
પોલિસી અમલીકરણના નામે પશુઓ પર ક્રૂરતા આચરાય છે આજે આ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાતાં અરજદારે કોર્ટને જણાવ્યું કે નડિયાદમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. પોલિસી અમલીકરણના નામે નડિયાદમાં પશુઓ પર ક્રૂરતા આચરવામાં આવે છે, એમને કાપી નખાય છે. આ હરકત ઓથોરિટીની નહીં, પણ અન્ય લોકોની છે. જે વ્યક્તિએ નડિયાદ કોર્ટમાં પશુ ઘૂસ્યું હતું એની જાણકારી આપી હતી તે જ વ્યક્તિએ પશુઓની સમસ્યાને નાથવા ઓથોરિટી સમક્ષ અરજી કરી હતી. એની પર પગલાં તો ના લેવાયાં, પણ આ પરિસ્થિતિ થઈ છે. આ સંદર્ભે નડિયાદની એક સમાચાર સંસ્થાનો અહેવાલ કોર્ટ સમક્ષ મુકાયો હતો.
કોર્ટે અહેવાલ જોયા બાદ કહ્યું હતું કે માણસોની ભલાઈ ખાતર પશુઓ પર ક્રૂરતા આચરી શકાય નહીં. કોર્ટે આ અહેવાલ પર ખેડા કલેક્ટરને તરત પગલાં લઈને રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે ઈશ્વર આપણને સૌને માફ નહીં કરે. માલધારી સમાજે પણ પશુઓ સાથે થયેલી ક્રૂરતાના ફોટા કોર્ટ સમક્ષ મૂક્યા હતા. કોર્ટે તમામ રિપોર્ટ્સ જોઈને સરકાર અને AMCને આદેશ કર્યો છે કે રાજ્યમાં કેટલા પશુવાડા છે, એની કેટલી ક્ષમતા છે, ત્યાં પશુઓને કેવી રીતે ટ્રીટમેન્ટ મળે છે, મેડિકલ ટ્રીટમેન્ટ મળે છે કે કેમ વગેરે વિગતો આપો. આ દરમિયાન પ્રિવેન્શન ઓફ એનિમલ ક્રૂઅલ્ટી એક્ટ અંતર્ગત આરોપીઓ સામે પગલાં લેવા કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે કહ્યું હતું કે પશુમાલિકો સામે ઓથોરિટી પગલાં લે, પરંતુ એનો નિર્દોષ પ્રાણીઓ ભોગ ન બને એનું પણ ધ્યાન રાખે. ઉપરાંત રાજ્ય અને AMCએ દિવાળી બાદ થયેલી કામગીરીની એફિડેવિટ ફાઈલ કરી હતી. જોકે AMC કમિશનરની જગ્યાએ AMCના અન્ય અધિકારીએ સોગંદનામું કરતાં કોર્ટે AMCની એફિડેવિટ રેકોર્ડ પર લીધી નહોતી.
ઉલ્લેખનીય છે કે અગાઉની સુનાવણીમાં માલધારીઓ વતી વકીલે ત્રણ મુખ્ય સમસ્યા વર્ણવતાં જણાવ્યું હતું કે ઓથોરિટી જે પશુઓને પકડે છે એની યોગ્ય કાળજી રાખવામાં આવે, જો માલધારીઓ પશુઓ માટે ઘાસચારો લાવતા હોય તો એને રોકવામાં આવે નહી, કારણ કે પોલીસ સીધી પકડીને પોલીસ મથકે લઇ જાય છે. વળી, ઢોર રાખવા લાઇસન્સ મેળવવાની આજે છેલ્લી તારીખ છે, પરંતુ ઘણી લાઇસન્સ અરજી પેન્ડિંગ છે, જેથી આવા ઢોરમાલિકના ઢોર કબજે ના કરાય. જોકે AMCએ જણાવ્યું હતું કે પોલિસી પ્રમાણે કામગીરી થશે જ.