ગાંધીનગરના ભાઈજીપુરા બસ સ્ટેન્ડ પાસેથી દોઢ મહિના અગાઉ બાઈકની ઉઠાંતરી કરનાર પેથાપુરનાં ચોરને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનાં સીસીટીવી ફૂટેજની મદદથી લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.
ગાંધીનગર જીલ્લા વિસ્તારમાં બનતા મિલ્કત વિરૂધ્ધના ગુના બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા એલસીબી પીઆઈ ડી બી વાળાએ બાતમીદારોને એક્ટિવ કરી સ્ટાફના માણસોને સઘન પેટ્રોલીંગ કરવા સૂચના આપી હતી. ત્યારે શહેરમાં વધી રહેલા વાહન ચોરીના બનાવો સંદર્ભે ગુના વાળી જગ્યાનું વિઝિટ કરી આસપાસમાં સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી શરૂ કરાઈ હતી.
જે અન્વયે આજથી દોઢ મહિના અગાઉ ભાઈજીપુરા બસ સ્ટેન્ડ પાસેનાં પાર્કિંગમાંથી એક બાઈક ચોરાયાની ફરિયાદ 000 ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. જેનાં પગલે એલસીબીની ટીમે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી. જેમાં ઉપરોક્ત સ્થળ પરથી બાઈકની ઉઠાંતરી કરતો ઈસમ કેમેરામાં કેદ થયો હોવાનું સામે આવ્યું હતું.
જેનાં પગલે એલસીબીની ટીમે ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરતાં મળેલી બાતમીના આધારે વિપુલ સુરેશભાઇ સાદરાણી (ઠક્કર) (હાલરહે, પેથાપુર કુમાર શાળા સામે, મુળરહે, જેતપુર) ને ઉઠાવી લીધો હતો. જેની કડકાઈથી પૂછતાંછ કરતાં તેણે દોઢ મહિના અગાઉ ભાઈજીપુરાથી બાઈકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. જેની પાસેથી એલસીબીએ ચોરીનું બાઈક જપ્ત કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.