ભાગવત કથા મેદાનમાં યોજાયેલી ભવ્ય અને દિવ્ય ભાગવત કથાએ આજે વિરામ લીધો હતો. ગાંધીનગરના હજારો ધર્મપ્રેમી શ્રોતાઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તિભાવપૂર્વક ભાગવત કથાનો લાભ લીધો હતો. આજે કથાનાં અંતિમ દિને ગુરુમાએ કહ્યું હતું કે, આપણે કંઈક મેળવીએ ત્યારે આપણી લાયકાત માટે અભિમાન કરવા કરતાં સામેનાની ઉદારતા જોવી જોઈએ.
સમદર્શન આશ્રમ દ્વારા આયોજિત ગુરુમા સમાનંદ સરસ્વતીજીની શ્રીમદ્ ભાગવત કથાના અંતિમ દિવસે આજે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સાહિત્યકાર ભાગ્યેશ જહા, ડૉ. શ્રીમતી જયંતી રવિ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ સહિતના આમંત્રિત મહેમાનોએ ગુરુમાનું અભિવાદન કરીને ભાગવત ભગવાનની આરતી ઉતારી હતી.
આજે કથાના અંતિમ દિને ગુરુમા સમાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, ભગવાનની લીલાઓથી સભર ભાગવત ગ્રંથ દ્વારા જીવન ઉપયોગી અનેક સંદેશ પ્રાપ્ત થાય છે. સામાન્ય માનવને જીવનરાહ ચીંધનાર આ ગ્રંથ વિવિધ પ્રકારની લાગણીઓનો દસ્તાવેજ છે. માતાને વચન આપ્યા પ્રમાણે સાડા ત્રણ વર્ષની ઉંમર પછી બાળકાનુડાની માખણચોરીની લીલા સમાપ્ત થાય છે.
વાછરડા ચરાવવા વનમાં જવા ઉત્સુક કાનુડો વત્સપાલ બને છે. વનભોજન સમયે બાળ ગોપાલો સાથે કાનુડાની બાળસહજ ધીંગામસ્તી, છાકલીલાનું અદભુત વહાલસભર વર્ણન પૂ ગુરુમાના શ્રીમુખેથી સાંભળવું લ્હાવો બની રહે છે.ભગવાન જ્યારે વત્સપાલમાંથી ગોપાલ બને છે ત્યારે ગાયોના વૃંદમાં પણ આનંદ વ્યાપી જાય છે.
કાલિયદમનની જાણીતી કથા પણ સાંભળવી રસપ્રદ બની રહે છે. ભગવાનની બંસરીની સૂરીલી કથા સાંભળીને શ્રોતાઓ સૂરના સાગરમાં ડૂબી જાય છે. ગોપીઓની ભક્તિમાં પ્રેમ પ્રધાન ભાવે છે. ભગવાનનું વાંસળીવાદન જડ-ચેતન બધાને સ્તબ્ધ કરે છે. વાંસળીમાંથી રેલાતા આ જાદુને ભાગવતમાં વેણુગીત કહ્યું છે. વેણુ, રેણુ અને ધેનુ વિના કૃષ્ણલીલા સંભવ નથી.
ગિરિરાજ ગોવર્ધનને સાત દિવસ સુધી પોતાની એક આંગળી પર ઉપાડી રાખી પ્રભુ દ્વારા વ્રજવાસીઓની રક્ષા સાથે ઇન્દ્રનું ગર્વ હરણ કરવાનો પ્રસંગ પણ પ્રેરણાદાયી છે. જ્યારે ભગવાનનું ગોવિંદ નામકરણ થાય છે. શરદપૂનમની રાત્રિએ મહારાસનું શ્રુંગારિક વર્ણન રાસ પંચાધ્યાયમાં શુકદેવજી કરે છે. માયાનાં સાધન સહજ ઉપયોગથી અને આહલાદિની શક્તિ રાધારાણીના સાથથી રચાયેલ આ અનુપમ રાસરાત્રિ શ્રીકૃષ્ણ ભક્તો માટે સૌથી પ્રિય પ્રસંગ છે.
જેમાં ભગવાને ગોપીઓને પ્રેમ સંતોષ આપવા સાથે એમના
ગર્વનું પણ હરણ કર્યું છે. ગુરુમા જણાવે છે કંઈક પ્રાપ્ત
થાય ત્યારે આપણે પોતાની લાયકાત જોઈએ તો અભિમાન
આવે છે, પરંતુ ત્યારે સામેનાની ઉદારતા પણ જોવી જોઈએ.
ભકતોનું અભિમાન જ ભગવાનનો ખોરાક છે. ભગવાનને
દીન ભાવ બહુ પસંદ છે. ગોપીઓ દ્વારા ભગવાનની સ્તુતિ,
ગોપીગીતના ગાનથી કથામંડપમાં ભાવસભર વાતાવરણ
સર્જાયું હતું.પ્રેમથી તરબતર આજીજી, વિનંતી, વિરહ,
વેદનાથી ભરપૂર કૃષ્ણ ગોપીઓની વાતો શ્રોતાઓના
મન-હધ્ય-આંખોથી પ્રેમાશ્રુ વહેવડાવી રહી. ગોપીઓનો
આર્તભાવ, સ્તુતિ આજની કથાનો સૌથી મધુર અને મહત્વનો
ભાગ બની રહ્યો હતો.
વધુમાં ગુરુમા કહ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા એ કોઈ વિલાસ લીલા કે કામલીલા નથી. પારમાર્થિક સ્વરૂપમાં પ્રભુ અસંગ જ છે. ગોપીઓ પણ પ્રભુનું પ્રતિબિંબ છે. રાસથી સમગ્ર સૃષ્ટિને પુષ્ટિ મળી છે. ભાગવત અનુસાર નિરોધ અધ્યાય રાસ ચિંતન કરતાં કરતાં અંતે ભક્તે શાંતરસમાં પહોંચવાનું છે.
કંસના આમંત્રણ થકી મથુરાગમનની કથા અતિ હદય દ્રાવક બની રહી. માતા યશોદા, બાળગોપાળો અને ગોપીઓના અનુનય વિનય, વિયોગનો વિષાદ હાજર સૌ ભક્ત શ્રોતાજનોના હદયમાં પ્રગટ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ભક્તિનો મહિમા વધારવાની આ અનૂઠી રીત તરીકે પ્રવક્તા તેને વર્ણવે છે.
કૃષ્ણ સ્વયં ગોપીઓને આત્મજ્ઞાન પ્રદાન કરે છે, ભગવાન કહે છે, આપના હૃદયમાં મારા માટે એવો પ્રેમ પ્રગટ થઈ ચૂક્યો છે કે જે હવે ક્યારેય પણ શાંત થવાનો નથી. મારામાં જે દ્રઢ ભક્તિ છે એ જ મનુષ્યને અમૃતત્વને માટે યોગ્ય બનાવે છે. આવી જ શુદ્ધ ભક્તિથી અંતર શુદ્ધ થાય છે અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. કૃષ્ણ કહે છે કે, હું જ સર્વભૂતોનો અંતરાત્મા છું. હું જ આદિ છું. અંત છું. અંદર-બહાર સર્વત્ર હું વ્યાપ્ત છું. હે મારી પ્યારી સખીઓ, જેવી રીતે સર્વ પદાર્થમાં પંચભૂત વ્યાપ્ત છે એવી જ રીતે હું સર્વ પદાર્થમાં વ્યાપ્ત, સર્વ જીવ સ્વરૂપે હું પોતે જ છું. જગત અને ભોગતા બંને રૂપે હું જ વ્યાપ્ત છું. આ બધું જ મારામાં જ સ્થિત છે. હું જ એક અવિનાશી સત્ય છું. સમસ્ત જીવ જગતને મારા જ એક અક્ષર અવિનાશી સ્વરૂપમાં સ્થિત સમજ. હું જ એક પરમ સત્ય છું. બીજું બધું જ મારામાં કલ્પિત છે. શરીર અનેક છે પરંતુ આત્મા તો એક જ છે.