સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા કેટલા તબિબો ખાનગીમાં પ્રેક્ટિસ કરે છે કે નહી તેની માહિતી આપવા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવે તાજેતરમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આદેશ કર્યો હતો. ઉપરાંત આરોગ્ય વિભાગની આકસ્મિક ચેકિંગમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબિબો પકડાશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે. આથી સિવિલ હોસ્પિટલના તબિબોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગાંધીનગર મેડિકલ કોલેજની સંલગ્ન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઓપીડી અને આઇપીડી સારવાર લઇ રહેતા દર્દીઓને ફ્રેન્ડલી વાતાવરણ મળી રહે તેમજ લાઇનો દુર કરવા ટોકન સિસ્ટમ અપનાવવા સહિતની સુચનાઓ આરોગ્ય અગ્ર સચિવે ધનંજય દ્વિવેદીએ તાજેતરમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન આપી હતી. તેમાં સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા તબિબોમાંથી કેટલા તબિબો ખાનગી પ્રેક્ટિસ કરી રહ્યા છે કે નહી તેની માહિતી આપવા ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના અધિક્ષકને સુચના આપી છે. ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોની માહિતી ખુદ આરોગ્ય વિભાગના અગ્ર સચિવે મંગાવી હોવાથી તબીબોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જાેકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના અમુક તબીબો નોકરીની સાથે સાથે ખાનગી હોસ્પિટલ કે લેબોરેટરીમાં પ્રેક્ટિસ કરતા હોવાની ચર્ચા ખુદ હોસ્પિટલના કર્મચારીઓમાં જાેવા મળી રહી છે.ત્યારે હવે જાેવું રહ્યું કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા કેટલા તબિબો ખાનગી પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનો રિપોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવને આપે છે તે તો આગામી સમય જ બતાવશે.