કુડાસણની ઉગતી કોર્પોરેટ પાર્કમાં આવેલી ઉમિયા ઓવરસીઝ નામની વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી વિઝા આપવાની કામગીરી કરતી બંટી બબલી સહિત ૩ લોકોએ વધુ એક વ્યક્તિને કેનેડાના વિઝા આપવાનુ કહીને ૨૫ લાખ ચાઉ કરી લીધા છે. અમદાવાદમાં રહેતા અને બિલ્ડીંગ કન્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિઝનેશમેન પાસેથી રુપિયા લઇને વિઝા અપાવવામાં આવ્યા ન હતા. જેને લઇને ઇન્ફોસિટી પોલીસ મથકમાં ૩ આરોપીઓ સામે ગુનો નોંધાવ્યો છે.
ઇન્દ્રવદનભાઇ રમેશભાઇ પટેલ (રહે, નવા વાડજ, અમદાવાદ) અમદાવાદમાં બિલ્ડીંગ કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. ત્યારે તેમના દિકરા કુંજને કેનેડા મોકલવાનો હોવાથી લવારપુર ગામના અને કુડાસણમાં ઉગતી કોર્પોરેટમાં ઉમિયા ઓવરસીઝ ધરાવતા એજન્ટ અંકિત શૈલેષભાઇ પટેલ, તેની પત્ની અનેરી પટેલ અને વિશાલ પટેલનો સંપર્ક કર્યો હતો. જેમાં ઓફિસમાં મળ્યા પછી કુંજ પટેલના વિઝા અપાવવાનુ કહ્યુ હતુ અને તેના માટે ૬૫ લાખ રુપિયા ચૂકવવા પડશે તેમ જણાવ્યુ હતુ. દિકરાને કેનેડા મોકલવા ઇચ્છુક પિતા ગઠિયાઓની વાતમાં આવી ગયા હતા અને પહેલા ૨૫ લાખ રુપિયા આપવાની વાત કરતા તેમણે ૫ લાખ રુપિયાનો ચેક આપ્યો હતો.
ઉમિયા ઓવરસીસની ઓફિસ ખોલી વિઝા અપાવવાનુ કહીને ચૂનો લગાવનાર ત્રિપૂટી સામે બીજાે ગુનો નોંધાયો છે. જેમાં પતિ અંકિત અગાઉના ગુનામાં જેલમાં છે, પત્નિ અનેરી ફરાર છે અને ત્રીજાે આરોપી વિશાલ વિદેશ ભાગી ગયો છે. પીએસઆઇ ડી.આર. પ્રજાપતિ તેમની ટીમ સાથે આરોપીને પકડવા દોડા દોડી કરી રહ્યા છે.