રાજસ્થાન જેસલમેર ખાતે તનોટ માતાના મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા ગાંધીનગરના સરઢવ ગામના રહિશોની કારને રાજસ્થાનના બાડમેર જિલ્લાના બોર ચારણાર પાસે ટ્રકે ટક્કર મારી દેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ૩ લોકોના મૃત્યુ થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્તને ડીસા ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. મૃત્યુ પામેલા ત્રણેય એક જ પરિવારના પિતરાઇ હોવાનું જાણવા મળ્યું છે. સરઢવ ગામના ૪ પિતરાઇ ભાઇઓ રાજસ્થાનના જેસલમેર પાસે આવેલા તનોટ માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે સોમવારે વહેલી સવારે બાડમેર જિલ્લાના બોર ટોલનાકા પાસે ટ્રકે કારને ટક્કર મારી દીધી હતી. સવારના સમયે ગાઢ ધુમ્મસને કારણે ટર્નીંગ પર વાહન નહીં દેખાતા ટ્રકે કારને અડફેટે લીધી હોવાનું પ્રાથમિક અનુમાન રાજસ્થાન પોલીસે લગાવ્યું છે. ટ્રક ચાલક ધડાકાભેર ટક્કર મારીને નાસી છૂટ્યો હતો જ્યારે ત્યાંથી પસાર થઇ રહેલા અન્ય વાહનચાલકો અને આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ટ્રકની ટક્કરથી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એકત્ર થયેલા લોકોએ રસ્સાની મદદથી ઇજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢ્યા હતા.કારમાં સવાર વિષ્ણુભાઇ પ્રહલાદભાઇ પટેલ, બિપિન ગિરધરભાઇ પટેલ, જીગર ચંદુભાઇ પટેલનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત થયેલા વિષ્ણુભાઇ રમણભાઇ પટેલને રાજસ્થાનના ધોરીમન્ના આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડીસા ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ત્રણના મૃત્યુના સમાચાર મળતા સરઢવ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારના સભ્યો તાત્કાલિક રાજસ્થાન પહોંચ્યા હતા. મૃતકોના પરિવારના સભ્યએ ફરિયાદ આપતા ધોરીમન્ના પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.સરઢવના રહિશોની કારને અકસ્માત થયો ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી હોવાનું આસપાસના લોકોએ જણાવ્યું હતું. પરંતુ તે પછી પોલીસે સીસીટીવી સર્વેલન્સ અને અન્ય લોકોની પુછપરછ કરતા ટ્રકે ટક્કર મારી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તેની શોધખોળ આદરી છે.