ગાંધીનગરનાં કુડાસણ કાનમ પાર્ટી પ્લોટની પાસેના વૃંદાવન ટ્રેડ સેન્ટર તેમજ વિસનગરમાં પણ ફ્યુચર પ્લાનીંગ વિઝા કન્સલટન્સી ચલાવતા બે એજન્ટોનું બોગસ બેંક સ્ટેટમેન્ટનાં આધારે વિઝા અપાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. વિદેશ જવા ઈચ્છતા લોકોના બેંકમાં પૈસા નહીં હોવા છતાં આર્થિક રીતે સધ્ધર હોવાના બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરી વિઝા ફાઇલ મૂકવામાં આવતી હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં બહાર આવતા બે એજન્ટ સહિત ત્રણ ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં અલગ-અલગ નામથી ઓફિસો ધરાવી ખાસ કરીને અમેરીકા, કેનેડા, યુ.કે., ઓસ્ટ્રેલીયા જેવા દેશોમાં વર્ગ પરમીટ, સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે જુદા-જુદા ડોક્યુમેન્ટ, પ્રમાણપત્રો, બેંક સ્ટેટમેન્ટ વિગેરેમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવી વર્ગ પરમીટ અને સ્ટુડન્ટ વિઝા મેળવવામાં એજન્ટો મહત્ત્વની ભૂમિકા ભજવતા હોવાની ગુપ્ત માહિતીનાં આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા વિઝા કન્સલ્ટન્સીઓમા દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે અન્વયે સીઆઇડી ક્રાઇમની ટીમ ગાંધીનગરનાં કુડાસણ કાનમ પાર્ટી પ્લોટની નજીક વૃંદાવન ટ્રેડ સેન્ટર સ્થિત ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીમાં ત્રાટકી હતી.
અહીં 15 હજારમાં નોકરી કરતો સાહિલ વિકેશભાઈ પટેલ હાજર મળી આવ્યો હતો. જેણે પોલીસને જણાવ્યું હતું કે, ઓફિસના માલીક અવકાશ જયંતિભાઈ ચૌધરી અને શનિ હર્ષદકુમાર બારોટ, રાકેશ બારોટ તેમજ જૈમીન દવે છે અને ફ્યુચર પ્લાનિંગ વિઝા કન્સલ્ટન્સીની અન્ય એક ઓફિસ વિસનગરમાં હોવાથી તેઓ હાલમાં ત્યાં છે.
બાદમાં પોલીસે અત્રેની ઓફિસની તલાશી લેતાં કેટલીક વિઝા ફાઈલો, સાત પાસપોર્ટ, બીઝનેશ એસોસિએટ એગ્રીમેન્ટની ફાઇલ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જ્યારે સાહિલનાં મોબાઈલનાં વોટ્સઅપમાં કુણાલ નામના નંબરની ચેટ હિસ્ટ્રીમાંથી બેંક સ્ટેટમેન્ટ એડિટિંગ કરેલાનું જોવા મળ્યું હતું. જેનાં પગલે પોલીસે એક મોનીટર, લેપટોપ, હાર્ડડીસ્ક, પેન ડ્રાઇવ, સીપીયુ, મોબાઈલ ફોન સહિત 79 હજાર 300 નો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. જેનું એફએસએલમાં પૃથક્કરણ કરાવતા સાહીલ તથા કૃણાલ કિરીટભાઇ વરીયાની વોટ્સએપ ચેટની ફાઇલમાંથી મહેસાણા ત્રણ વિદેશ વાંકચ્છુંઓનાં બેંક સ્ટેટમેન્ટ મળી આવ્યા હતા. આ ત્રણેય ખાતાના અસલ બેંક સ્ટેટમેન્ટની તપાસ હાથ ધરવામાં ધરતા ઓછી રકમના વ્યવહારો હોવા છતાં વધુ રકમના વ્યવહારો દર્શાવી બનાવટી બેંક સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું.
જે અન્વયે ફ્યુચર પ્લાનીંગ વિઝા કન્સલટન્સી (FPVC) ના માલિક તથા કર્મચારી અવકાશ જયંતિ ચૌધરી, સાહિલ વિકેશ પટેલ અને કૃણાલ કિરીટભાઇ વરીયા એકબીજાની મદદગારીથી અનેક વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝાના કામે ગંભીર પ્રકારની ગેરરિતી આચરી બનાવટી બેંક સ્ટેટમેન્ટો ઉભા કરી તેને સાચા તરીકે દર્શાવી ગુનાહિત કાવતરૂ રચી સ્ટુડન્ટોના વિદેશના વિઝા મેળવવા ફાઇલો તૈયાર કરી મોકલી આપતા હોવાનું સામે આવતા સીઆઇડી ક્રાઇમ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.