માણસા તાલુકાના વિહાર ગામની ચૌદ વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવી મહેસાણાનાં વેપારી સાથે બે કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ માણસા પોલીસ મથકના ચોપડે નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, મહેસાણાનાં મેડિકલ સ્ટોર્સનાં માલિકને મહિલા સહિત છ ઈસમોએ ખેડૂત તરીકે ઓળખ આપી ડુપ્લીકેટ દસ્તાવેજના આધારે માણસા સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ પણ કરી આપવામાં આવતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
મહેસાણા વડનગર કેશીમ્પા ગામમાં રહેતાં મહમદઅલી ગુલામહુસૈન શેરસીયા વડનગર બજારમાં આદર્શ મેડીકલ એન્ડ જનરલ સ્ટોર્સ નામથી દુકાન ચલાવે છે. ઉપરાંત ઈડરમાં આવેલી પાંચેક વીઘા જમીનમાં ખેતીવાડી પણ કરે છે. મેડીકલના ધંધા અર્થે આજથી બે વર્ષ પહેલા મનીષ પ્રકાશભાઈ રાવલ (રહે-બામણવા, હાલ રહે.વીસનગર, ગેલેક્ષી સોસાયટી મહેસાણા) સાથે તેમનો પરિચય થયો હતો. જેણે માણસા તાલુકાની વિહાર ચોકડીની બાજુની સત્તર લાખ લેખે ચૌદ વીઘા જમીન ખેડૂતો પાસેથી વેચાણ રાખી હોવાનું જણાવી બીજા પૈસાની સગવડ નથી અને ભવિષ્યમાં આ જમીનમાં સારો ફાયદો થાય તેમ છે. આથી મહમદઅલી ભાગીદારીમાં જમીન લેવા માટે તૈયાર થઈ ગયા. હતા. અને જમીનના કાગળો જોતા જમીન વિહાર ગામના ખેડુત ખાતેદાર પટેલ સુનિલકુમાર નટવરભાઇ વિગેરે ચારના નામે રેવન્યુ રેકર્ડે ચાલતી હતી. એટલે આ જમીન પેટે ખેડૂત ખાનેદારોને બાનાપેટે રૂ. 51 લાખ ચુકતે કરી બાકીના પૈસા છ માસમાં વેચાણ દસ્તાવેજ વખતે ચુકવી આપવાનુ નક્કી થયું હતું. જેની હિસ્સેદારી પેટે મહમદઅલીએ પોતાના હિસ્સાના રૂ. 25.50 લાખ ખેડૂતોને ચૂકવવા મનીષને આપી નોટરી બાનાખતનો કરાર ખેડુતો પાસેથી કરાવી લેવાનુ કહ્યું હતું. જેનાં અઠવાડિયા પછી મહંમદઅલી બીમાર થઈ ગયા હતા. ત્યારે મનીષ વેચાણ બાનાખતનો કરાર તૈયાર કરીને તેમની પાસે ગયો હતો. અને વેચાણ લેનાર તરીકે સહી કરાવી હતી. જેમાં વીહાર ગામની સીમના સર્વે નંબર -538,539, 530,541,542, 545, 546,547 ની જમીનનો કુલવેચાણ અવેજ બે કરોડ એકાવન લાખ જેના બાનાપેટે 51 લાખ ચુકવી આપ્યાનો ઉલ્લેખ હતો.
તે પછી બાનાખતની છ માસની મુદત પુરી થવા આવતા મહંમદઅલીએ ખેડુતો પાસેથી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લેવા કહેતાં મનિષએ પૈસાની સગવડ બાબતે હાથ અધ્ધર કરી ખેડૂતો પાસેથી સમય લઈ લીધો હોવાનું જણાવ્યું હતું. જેનાં થોડા વખત પછી મહંમદઅલી તેમના મિત્રને લઈને મનીષની ઓફિસ વિસનગર ગયા હતા. જ્યાં રમેશ પટેલ, સ્નેહલ ઉર્ફે કિશનસિંહ, મુકેશભાઈ ગોસ્વામીની ઓળખાણ જમીન દલાલ અને મહેશ સોમાભાઈ પટેલ તથા વિજયાબેન પટેલ બંન્ને ખેડૂત હોવાની ઓળખાણ કરાવી હતી. બાદમાં નક્કી થયા મુજબ મહંમદઅલી બીજા રૂ. 80.70 લાખ મનિષ તથા જમીન દલાલ મુકેશભાઈ ગોસ્વામીને આપ્યા હતા અને ત્રણેય જણા માણસા આવ્યા હતા. જ્યાં મનીષ એ પોતાનો ખેડુત ખાતેદારનો દાખલો હજુ આવેલ નહીં હોવાનું કહીને મહંમદઅલીને ઓળખીતા વ્યક્તિ નાં નામે દસ્તાવેજ કરી લેવા કહ્યું હતું. જેની પર વિશ્વાસ રાખી મહંમદઅલી માણસા સબ રજીસ્ટાર કચેરી ખાતે ગયા હતા. અને બાકીના અવેજ પેટે રૂ. 80.70 લાખ આપી જમીનનો ખેડૂતો પાસેથી વેચાણ દસ્તાવેજ કર્યો હતો. જેનાં થોડા દિવસ પછી દસ્તાવેજ તૈયાર કરનાર હસમુખભાઈ પટેલે ફોન કરીને કહેલું કે, ખોટા ખેડૂતોએ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે. જે અંગે તપાસ કરતા જાણવા મળેલ કે મનિષ રાવલ તથા જમીન દલાલ રમેશભાઈ પટેલ તથાકિશનસિંહ ચૌહાણ તથા ખેડુતોના દલાલ મુકેશભાઇ ગોસ્વામીએ ભેગા મળી કાવતરૂ રચ્યું છે.
જેમાં મૂળ ખેડૂતની જગ્યાએ ખોટા ખેડૂતો બનીને સબ રજીસ્ટ્રાર કચેરીમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો છે. જેનાં પગલે મહમદઅલીએ મનીષ પ્રકાશભાઈ રાવલ (રહે ભામણવા, હાલ રહે. ગેલેક્ષી સોસાયટી મહેસાણા વિસનગર) મૂકેશ દિપકભાઈ ગોરવામી (રહે-મકાન નંબર-256, રત્નામાલા સોસાયટી, ઓમદેવ સર્કલ, ઓઢવ), રમેશભાઈ નરોત્તમદાસ પટેલ (રહે-જેતલવાસણાગામ, તા-વિસનગર), કૃષ્ણસિંહ ઉર્ફે કિશનસિંહ લાલસિંહ ચૌહાણ (રહે-બામણવા તા-વિજાપુર), દિલીપકુમાર તળજાભાઇ રબારી(રહે હાલ -કામલી ગામ,રબારી વાસ, તા-ઉંઝા) તેમજ, વૈશ્ય ભારતીબેન ચંદ્રેશભાઈ સુમેરભાઈ (રહે. વસ્ત્રાલ, રીલાયન્સની પાછળ, ઓડાના મકાનમાં) વિરુદ્ધમાં 2 કરોડ 6 લાખ 20 હજારની છેતરપિંડીની ફરિયાદ કરાઈ છે.