ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 1.80 લાખ જેટલી મિલકતો નોંધાયેલી છે. તેમાંથી રહેણાક મિલકતો 1.50 લાખ અને કોમર્શિયલ મિલકતો 30 હજાર છે. આ પૈકીના 1.10 લાખ મિલકતધારકોએ મનપા કચેરીમાં ટેક્સ જમા કરાવી દીધો છે. વેરો નહીં ભરનારા 70 હજાર મિલકતધારકોમાં સરકારી મિલકતોનો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશન દ્વારા હાલ કોમર્શિયલ મિલકતો પાસેથી વેરા વસૂલાત માટે આકરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે બાકીદારોને અગાઉ વોરંટ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોર્થ ઝોનમાં 4 અને સાઉથ ઝોનમાં એક મિલકતને સીલ મારવામાં આવ્યું છે. સીલિંગની ઝુંબેશ હાથ ધરાતા નોર્થ 000 ઝોનમાં પાંચ મિલકતધારકોએ રોકડ અથવા ચેકમાં રૂ.3.97 લાખની ચૂકવણી કરી હતી. જ્યારે સીલ નહીં ભરનારી ચાર મિલકતોને સીલ મારવામાં આવ્યુ હતું. નોર્થ ઝોનમાં પેથાપુર, રાંધેજા, કોલવડા, સેકટર-25થી 27, વાવોલનો સમાવેશ થાય છે. દક્ષિણ ઝોનમાં કુડાસણથી ભાટ, ખોરજ-ઝુંડાલ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે. દક્ષિણ ઝોનમાં બે મિલકતધારકોએ ચેક મારફતે રૂ.91,720ની ચૂકવણી કરી હતી. ટેક્સ નહીં ભરનારા એક શોપિંગ સેન્ટરને સીલ મારવામાં આવ્યુ હતું.
મધ્ય ઝોનમાં ગાંધીનગરના 27 સેકટરોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 9 મિલકતધારકો સામે સીલિંગની ઝુંબેશ હાથ ધરવાની હતી, પરંતુ તેમણે રૂ.10.81 લાખના ચેક જમા કરાવી દેતાં કાર્યવાહી હાથ ધરાઈ ન હતી. મનપા સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સીલિંગ ઝુંબેશને 31 જાન્યુઆરી સુધી ચાલુ રાખવામાં આવશે અને બાકી રહેતી તમામ કમર્શિયલ મિલકતો પાસેથી ટેક્સ વસૂલાત કરવામાં આવશે. વેરો ભરપાઈ કર્યા વગર સીલ ખુલશે નહીં અને મનસ્વી રીતે સીલ ખોલનારા મિલકતધારકો સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.